“સચિનને સદી નહીં કરવા દઈએ” : સેમીએ વચન પાળ્યું

25 November, 2011 08:44 AM IST  | 

“સચિનને સદી નહીં કરવા દઈએ” : સેમીએ વચન પાળ્યું



કેરેબિયન કેપ્ટન ડેરેન સેમીએ ગઈ કાલે સચિનને તેની મહાસદી અમારી સામે પૂરી કરવા નહીં દઈએ તેવું પત્રકારોને જણાવ્યું હતું. જો કે સંજોગોવસાત આ નિવેદન સાચું ઠર્યું હતું જેના પગલે આજની મેચમાં સચિન ફરીવાર નર્વસ નાઈન્ટીનો શિકાર બનીને સદીથી ફક્ત 6 રન દૂર રહી 94 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

સચિન તેન્ડુલકરે ગઈ કાલે ત્રીજી ટેસ્ટમૅચ (નીઓ ક્રિકેટ પર સવારે ૯.૦૦)ના ત્રીજા દિવસના અંત સુધીમાં ૬૭ રન બનાવી લીધા હતા અને તે ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરીથી માત્ર ૩૩ ડગલાં દૂર હતો. જોકે કૅરિબિયન સુકાની ડૅરેન સૅમીએ પત્રકારોને કહ્યું હતું કે ‘અમારા વિકેટકીપર કાર્લટન બૉએ સચિન ૫૮ રને હતો ત્યારે તેનો કૅચ છોડ્યો હતો. જો એવું ન બન્યું હોત તો માસ્ટર બ્લાસ્ટર વહેલો ડ્રેસિંગ-રૂમમાં પહોંચી ગયો હોત. બૉએ તેનો કૅચ છોડ્યો એનો અમને અફસોસ છે, પરંતુ હવે અમે સચિનને ૧૦૦મી ઐતિહાસિક સદીથી વંચિત રાખીને તેના કરોડો ચાહકોના દિલ તોડીશું. અમારા બોલરો સચિનને બચવાની કોઈ તક નહીં આપે. આખું સ્ટેડિયમ ભરાયેલું હશે, પણ એમાં બેસનાર હજારો લોકોએ પોતાનું દિલ તૂટતું જોવાની તૈયારી રાખવી પડશે. અમે તેને સદી પહેલાં આઉટ કરી દેવાનો ગેમ પ્લાન વિચારી રાખ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે સચિન અમારી સામે નહીં, પણ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ૧૦૦મી સદી ફટકારે.’

૧૫૦ની લીડ પૂરતી : સૅમી

સૅમીએ ભારતને ઑલઆઉટ કરવા વિશે કહ્યું હતું કે ‘ભારતને ફૉલો-ઑનથી બચવા ૧૧૦ રનની જરૂર છે. અમને  ૫૯૦ રન સામે માત્ર ૧૫૦ રનની લીડ મળશે તો પણ અમારા માટે ઘણી કહેવાશે.’

સદી નહીં, જીત મહત્વની : ગંભીર

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના ૫૯૦ રન સામે ભારતના ત્રણ વિકેટે ૨૮૧ રન હતા. પંચાવન રને આઉટ થનાર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘ખુદ સચિન અને ટીમ ઇન્ડિયાના બીજા પ્લેયરો તેની ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી પર મીટ માંડીને નથી બેઠાં. અમે તો ભારતને જીત કેવી રીતે મળે એ વાતને જ ધ્યાનમાં રાખી છે. ભારતને હજીયે જીતવાનો ચાન્સ છે.’

આજની બધી ટિકિટો વેચાઈ ગઈ

વાનખેડેમાં પહેલા બે દિવસ ખૂબ ઓછા પ્રેક્ષકોની હાજરી જોવા મળ્યા બાદ ગઈ કાલે સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. ૩૮,૦૦૦ સીટની કૅપેસિટીવાળા આ સ્ટેડિયમમાં ગઈ કાલે ૨૦,૦૦૦ લોકો હતા, પરંતુ આજે હાઉસ ફુલ જોવા મળશે એવી સ્ટેડિયમના સંચાલકોની ધારણા હતી.

ગઈ કાલે સાંજે જ સંચાલકોએ મોકલેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘૨૫ નવેમ્બર (આજ)ની બધી ટિકિટો વેચાઈ ગઈ છે અને સવારે કોઈ પણ ભાવવાળી ટિકિટનું વેચાણ થશે નહીં.