News In Shorts: થોર્પ ગંભીર બીમાર, હૉસ્પિટલમાં ઍડ્‍મિટ

11 May, 2022 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટર અને કોચ ગ્રેહામ થોર્પ ગંભીર રીતે બીમાર પડી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગ્રેહામ થોર્પ

બાઉચર સામેના તમામ આરોપો  પાછા ખેંચાયા
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર અને નૅશનલ ક્રિકેટ ટીમના કોચ માર્ક બાઉચર સામેના રંગભેદલક્ષી ગીત ગણગણવા સહિતના ગેરવર્તનના આક્ષેપોને દેશના ક્રિકેટ બોર્ડે આ કેસની સુનાવણી પહેલાં પાછા ખેંચી લીધા છે. ભૂતપૂર્વ સાથી ખેલાડી પૉલ ઍડમ્સે બાઉચર સામે આક્ષેપ કર્યો હતો કે તેઓ રમતા હતા એ સમયગાળાના દિવસો દરમ્યાન મૅચ રમ્યા પછીની મીટિંગમાં તે રંગભેદલક્ષી અને બદનક્ષીભરી કમેન્ટ્સ ધરાવતાં ગીત ગાતો હતો. ઍડમ્સના આ આક્ષેપને પગલે બાઉચર વિરુદ્ધ ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી હતી જેમાં બાઉચરનો ગુનો પુરવાર થાત તો તેણે કોચનો હોદ્દો ગુમાવવો પડ્યો હોત.

શાપોવાલોવે પ્રેક્ષકને ગાળ આપી અને પછી જીત્યો
ઇટલીના રોમમાં કૅનેડાના ટેનિસ ખેલાડી ડેનિસ શાપોવાલોવે ઇટાલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં બે મોટાં વિઘ્ન પાર કરીને અંતે વિજય મેળવ્યો હતો. તેણે ઇટલીના લૉરેન્ઝો સૉનેગોને ૭-૫, ૩-૬, ૬-૩થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજા સેટ દરમ્યાન શાપોવાલોવે નેટ વટાવી લૉરેન્ઝોના એરિયામાં જઈને અમ્પાયર સાથે દલીલ કરી હતી કે તેની એક સર્વ આઉટ 
નહોતી. જોકે અમ્પાયરે શાપોવાલોવને નિયમનો ભંગ કર્યો હોવાની 
તાકીદ કરી હતી. એ દરમ્યાન એક પ્રેક્ષકે શાપોવાલોવ સામે અસભ્ય કમેન્ટ કરી હતી, જેને પગલે શાપોવાલોવે તેને ગાળ દીધી હતી. પછીથી શાપોવાલોવે અમ્પાયરની માફી માગી લીધી હતી.

ભારત ઉબેર કપમાં અમેરિકાને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં
બૅન્ગકૉકમાં મહિલાઓ માટેની ઉબેર કપ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતીય ટીમે અમેરિકાને ૪-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આગલી મૅચમાં કૅનેડાને પણ ભારતે ૪-૧થી હરાવ્યું હતું.

થોર્પ ગંભીર બીમાર, હૉસ્પિટલમાં ઍડ્‍મિટ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટર અને કોચ ગ્રેહામ થોર્પ ગંભીર રીતે બીમાર પડી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાવન વર્ષના થોર્પે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામેના ઍશિઝ સિરીઝના ૦-૪ના પરાજય બાદ કોચિંગનો હોદ્દો છોડી દીધો હતો અને ત્યારથી તેઓ અફઘાનિસ્તાનના હેડ-કોચ છે. થોર્પે ૧૯૯૩થી ૨૦૦૫ દરમ્યાન ૧૦૦ ટેસ્ટમાં ૧૬ સદીની મદદથી ૬૭૪૪ રન અને ૮૨ વન-ડેમાં ૨૩૮૦ રન બનાવ્યા છે.

વર્લ્ડ કપ પહેલાં ભારતનું ઑસ્ટ્રેલિયા સામે રિહર્સલ
આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમશે. બન્ને દેશ માટે આ શ્રેણી વિશ્વકપના રિહર્સલ સમાન બની રહેશે. એ પહેલાં, જૂનમાં ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે પાંચ ટી૨૦ અને પછી આયરલૅન્ડમાં બે ટી૨૦ રમશે.

cricket news sports news