News in short: સિંધુ સેમીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સામે હારી ગઈ

28 November, 2021 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો.

સિંધુ

બૅડ્મિન્ટનમાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે બાલીમાં ઇન્ડોનેશિયા ઓપન સુપર-૧૦૦૦ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વવિજેતા અને કટ્ટર હરીફ થાઇલૅન્ડની રેચનોક ઇન્થેનોનને ભારે સંઘર્ષ કરાવ્યા બાદ હારી ગઈ હતી. સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો. એ સાથે, સિંધુ લાગલગાટ ત્રણ સેમી ફાઇનલ હારી ગઈ છે.

અલીની પાંચ વિકેટ પછી પાકિસ્તાનના વિના વિકેટે ૧૪૫

બંગલા દેશમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં વિના વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા. ઓપનરોમાં આબિદ અલી ૯૩ રને અને અબદુલ્લા શફીક બાવન રને દાવમાં હતા. એ પહેલાં બંગલા દેશે પ્રથમ દાવમાં ૩૩૦ રન બનાવ્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ ૫૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી.

મહિલા બિગ બૅશમાં પર્થની ટીમ પહેલી વાર ચૅમ્પિયન

ઑસ્ટ્રેલિયામાં ગઈ કાલે મહિલાઓની બિગ બૅશ ટી૨૦ ટુર્નામેન્ટ પર્થ સ્કૉર્ચર્સ ટીમે જીતી લીધી હતી. એણે ફાઇનલમાં ઍડીલેડ સ્ટ્રાઇકર્સને ૧૨ રનથી હરાવી હતી. પર્થની ટીમે બૅટિંગ મળતાં પાંચ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા, જેમાં કૅપ્ટન સોફી ડિવાઇનના ૩૫ રન, મૅરિઝેન કૅપના ૩૧ રન હતા. મૅરિઝનની સમલિંગી લાઇફ-પાર્ટનર ડૅન વેન નીકર્કને એકેય વિકેટ નહોતી મળી. ઍડીલેડની ટીમ ૧૪૭ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૪ રન બનાવી શકતાં હારી ગઈ હતી. પર્થની મૅરિઝેને એક વિકેટ પણ લીધી હતી અને પ્લેયર ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ જીતી લીધો હતો. ભારતની ટી૨૦ની કૅપ્ટન હરમનપ્રીત કૌર મેલબર્ન રેનેગેડ્સ ટીમ વતી રમી હતી અને તે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર જીતી હતી.

એક વાક્યના સમાચાર

ભુવનેશ્વરમાં ગઈ કાલે પુરુષોના જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે પોલૅન્ડને ૮-૨થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ભારતનો મુકાબલો બેલ્જિયમની મજબૂત ટીમ સાથે થશે. ગઈ કાલની મૅચમાં સંદીપને બે ગોલ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

પડ્યા પછી પણ જીતી બતાવ્યું

સિડનીમાં ગઈ કાલે અમેરિકાની ફુટબૉલર લિન્ડ્સે હૉરાનને બૉલ પર કબજો મેળવતાં રોકી રહેલી ઑસ્ટ્રેલિયાની એલી કાર્પેન્ટર (ડાબે) અને તેની સાથીખેલાડી. આ ટક્કરમાં લિન્ડ્સે પડી ગઈ હતી. આ ફ્રેન્ડ્લી મૅચ હતી જેમાં અમેરિકાએ ઑસ્ટ્રેલિયાને ૩-૦થી હરાવ્યું હતું. અમેરિકાની મહિલા ટીમ ૨૦૨૩ના વિમેન્સ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયામાં રમવા આવી છે. તસવીર: એ.એફ.પી.

sports news pv sindhu