23 December, 2025 12:04 PM IST | Tauranga | Gujarati Mid-day Correspondent
કિવી ટીમના ટ્રોફી-સેલિબ્રેશનમાં તેમનાં બાળકો પણ જોડાયાં હતાં
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ ટેસ્ટ-સિરીઝની ડ્રૉ સાથે શરૂઆત કર્યા બાદ સતત બે જીત નોંધાવીને યજમાન ન્યુ ઝીલૅન્ડે ૨-૦થી સિરીઝ પોતાના નામે કરી છે. ન્યુ ઝીલૅન્ડે ૮ વિકેટે ૫૭૫ના સ્કોર પર પહેલી અને બે વિકેટે ૩૦૬ રનના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને ૪૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૨૦ રન કરનાર મહેમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૮૦.૩ ઓવરમાં ૧૩૮ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૩૨૩ રનના વિશાળ માર્જિનથી વિજય મેળવી કિવીઓ આ હરીફ સામે સતત પાંચમી ટેસ્ટ-સિરીઝ જીત્યા છે. કૅરિબિયનો છેલ્લે ૨૦૧૨માં કિવીઓ સામે ટેસ્ટ-સિરીઝ જીતી શક્યા હતા.
મૅચની અંતિમ ઇનિંગ્સમાં કિવી ફાસ્ટ બોલર જેકબ ડફીએ ૪૨ રન આપીને પાંચ વિકેટ અને અનુભવી સ્પિનર એજાઝ પટેલે ૨૩ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. એક ટેસ્ટ-મૅચમાં કિવી ટીમ માટે ડબલ સેન્ચુરી અને સદી ફટકારનાર પહેલો બૅટર ડેવોન કૉન્વે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ધમાકેદાર પ્રદર્શન કરીને જેકબ ડફીએ ૪૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો
વર્તમાન સિરીઝમાં ૨૩ વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર જેકબ ડફી પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો. તેણે આ વર્ષે ૩૬ ઇન્ટરનૅશનલ મૅચમાં ૮૧ વિકેટ લીધી છે જેમાં ૨૫ ટેસ્ટ, ૨૧ વન-ડે અને ૩૫ T20 વિકેટનો સમાવેશ છે. આ કિવી બોલર દ્વારા એક કૅલેન્ડર યરમાં કરવામાં આવેલું બેસ્ટ પ્રદર્શન છે. તેણે ૧૯૮૫નો રિચર્ડ જૉન હેડલીનો ૨૩ મૅચમાં ૭૯ વિકેટ લેવાનો રેકૉર્ડ તોડ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-’૨૭ના પૉઇન્ટ-ટેબલમાં નંબર વન ઑસ્ટ્રેલિયા બાદ ન્યુ ઝીલૅન્ડ નંબર ટૂ ટીમ બની છે. અગાઉ ચોથા ક્રમે રહેલી કિવી ટીમે બે સ્થાનની છલાંગ મારી છે. એક ડ્રૉ મૅચ બાદ સતત બે જીતની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૨૮ પૉઇન્ટ અને ૭૭.૭૮ પૉઇન્ટ ટકાવારી મેળવી છે. સાઉથ આફ્રિકા ૭૫ અને શ્રીલંકા ૬૬.૬૭ની પૉઇન્ટ ટકાવારી સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે સરકી ગયાં છે. પાકિસ્તાન પાંચમા, ભારત છઠ્ઠા, ઇંગ્લૅન્ડ સાતમા અને બંગલાદેશ આઠમા ક્રમે યથાવત્ છે. ૮ ટેસ્ટ-મૅચમાંથી ૭ હાર અને એક ડ્રૉ મૅચના રિઝલ્ટ સાથે વેસ્ટ ઇન્ડીઝ તળિયાની ટીમ બની રહી છે.