૧૨ રનની મામૂલી લીડ મેળવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડ બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૨૩૨

03 September, 2012 05:43 AM IST  | 

૧૨ રનની મામૂલી લીડ મેળવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડ બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૨૩૨

બૅન્ગલોર: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ કાલે ત્રીજા દિવસના (સ્ટાર ક્રિકેટ પર સવારે ૯ વાગ્યે) અંતે મૅચ તદ્દન બૅલેન્સ અવસ્થામાં પહોંચી ગઈ છે. બન્ને ટીમને જીતવાનો સરખેસરખો માકો છે. જોકે, ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ૨૫૦ આસપાસનો ટાર્ગેટ બે દિવસમાં અમે આરામથી મેળવીને જીતી જઈશું.

પહેલી ઇનિંગ્સમાં ભારત કિવીપેસર ટિમ સાઉધીના ૬૪ રનમાં ૭ વિકેટના બેસ્ટ પર્ફોમન્સ સામે ૩૫૩ રનમાં ઑલઆઉટ થઈ જતાં ન્યુ ઝીલૅન્ડને ૧૨ રનની લીડ મળી હતી. જોકે ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં રવિચન્દ્ર અશ્વિનના વળતા પ્રહાર (૬૯ રનમાં પાંચ વિકેટ) સામે કિવીઓએ દિવસના અંતે ૯ વિકેટે ૨૩૨ બનાવ્યા હતા. લીડ સાથે હવે તેમના ૨૪૪ રન છે અને એક વિકેટ પડવાની બાકી હતી.

વિરાટની બીજી ટેસ્ટ-સેન્ચુરી

ટીમ ઇન્ડિયાના ૩૫૩ રનમાં વાઇસ કૅપ્ટન વિરાટ કોહલીનો ૧૯૩ બૉલમાં એક સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૦૩ રનનો સિંહફાળો હતો. વિરાટની ભારતમાં આ પહેલી અને કુલ બીજી ટેસ્ટ-સેન્ચુરી હતી. પહેલી સેન્ચુરી તેણે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ઍડીલેડ ટેસ્ટમાં ફટકારી હતી.

સાઉધીનો આતંક

કિવીપેસર ટિમ સાઉધીએ ૬૪ રનમાં ૭ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. સાઉધીનો ટેસ્ટમાં બેસ્ટ બોલિંગ-પર્ફોમન્સ રહ્યો હતો. તેણે ટેસ્ટમાં બીજી વાર પાંચ વિકેટ લીધી હતી. ભારત સામે કિવી બોલરનો આ સેકન્ડ બેસ્ટ બોલિંગ-પર્ફોમન્સ  હતો. પહેલા નંબરે રિચર્ડ હેડલી (૨૩ રનમાં ૭ વિકેટ) છે. જોકે ભારતની ધરતી પર તે બેસ્ટ કિવીબોલર બન્યો હતો.

ઑલરાઉન્ડર અશ્વિન

ન્યુ ઝીલૅન્ડને ૧૨ રનની લીડ મળી હતી. એમાં વિરાટ-ધોની-રૈના ઉપરાંત અશ્વિનનો પણ મહત્વનો ફાળો હતો. અશ્વિન પહેલી ઇનિંગ્સમાં ૪૦ બૉલમાં ૩૨ રન બનાવીને અણનમ રહ્યો હતો અને સ્કોરને ૯ વિકેટે ૩૨૦ પરથી ૩૫૩ પર પહોંચાડ્યો હતો અને ત્યાર બાદ ૬૯ રનમાં પાંચ વિકેટ લઈને કિવીઓને ૯ વિકેટે ૨૩૨ સુધી સીમિત રાખ્યા હતા. આ સાથે અશ્વિન પહેલી આઠ ટેસ્ટમાં પાંચ વાર પાંચ કે વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો. આ પાંચ વિકેટ સાથે અશ્વિનની કુલ વિકેટની સંખ્યા પણ ૪૯ થઈ છે. આજે વધુ એક વિકેટ લઈને તે ટેસ્ટક્રિકેટમાં ૫૦ વિકેટ લેનાર ફાસ્ટેસ્ટ ભારતીય બોલર બની શકે એમ છે.

સચિન પાસે પણ તક

આજે સેકન્ડ ઇનિંગ્સમાં સચિન તેન્ડુલકરને પણ તેનો અસલી ટચ બતાવવાની તક છે અને ‘ઘરડો થઈ ગયો છે’ કહીને ટીકા કરનારાઓને જવાબ આપવાનો મોકો પણ છે.

સ્કોર-બોર્ડ

ન્યુ ઝીલૅન્ડ

પહેલી ઇનિંગ્સ : ૩૬૫

ભારત

પહેલી ઇનિંગ્સ : ૩૫૩ (કોહલી ૧૦૩, ધોની ૬૨, રૈના ૫૫, અશ્વિન ૩૨, સેહવાગ ૪૩, સાઉધી ૬૪ રનમાં ૭, બ્રેસવેલ ૯૧ રનમાં બે)

ન્યુ ઝીલૅન્ડ

બીજી ઇનિંગ્સ : ૯ વિકેટે ૨૩૨ (ફ્રેન્કલિન ૪૧, ટેલર ૩૫, ફિન ૩૧, મૅક્લમ ૨૩, વૅન વીક ૩૧, બ્રેસવેલ ૨૨, અશ્વિન ૬૯ રનમાં ૫, ઓઝા ૪૮ રનમાં બે અને ઉમેશ યાદવ ૬૨ રનમાં બે)