કિવીઓ હાર્યા છતાં સુપર એઇટ્સમાં

24 September, 2012 05:35 AM IST  | 

કિવીઓ હાર્યા છતાં સુપર એઇટ્સમાં


પલ્લેકેલ: પાકિસ્તાને ગઈ કાલે ગ્રુપ ‘ડી’માં ન્યુ ઝીલૅન્ડને છેલ્લી ઓવરની રસાકસીમાં ૧૩ રનથી હરાવી દીધું હતું. આ સાથે પાકિસ્તાને આ ગ્રુપમાં વિજયી ખાતું ખોલાવ્યું હતું, પરંતુ કિવીઓ હારવા છતાં આ ગ્રુપમાંથી સુપર એઇટ્સમાં પહોંચી ગયા હતા. તેમના બે પૉઇન્ટ છે, પરંતુ તેમનો ૧.૧૫૦નો રનરેટ ત્રણેય હરીફોમાં સૌથી સારો છે. પાકિસ્તાન બે પૉઇન્ટ સાથે ૦.૬૫૦નો અને એક પણ પૉઇન્ટ ન ધરાવતા બંગલા દેશનો -૨.૯૫૦ છે.

ગઈ કાલે પાકિસ્તાને ૬ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા જેમાં મૅન ઑફ ધ મૅચ નાસિર જમશેદ (૫૬ રન, ૩૫ બૉલ, ચાર સિક્સર, બે ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન મોહમ્મદ હાફિઝ (૪૩ રન, ૩૮ બૉલ, બે સિક્સર, બે ફોર) પણ ઉપયોગી ઇનિંગ્સ રમ્યો હતો.

ન્યુ ઝીલૅન્ડ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૪ રન બનાવી શક્યું હતું. ૩૦ રનમાં ૪ વિકેટ લેનાર સઇદ અજમલની છેલ્લી ઓવરમાં કિવીઓએ જીતવા ૧૯ રન બનાવવાના હતા, પરંતુ એમાં માત્ર પાંચ રન થયા હતા અને બે વિકેટ પડી હતી. રૉબ નિકોલે ૩૩ રન બનાવ્યા હતા અને સૌથી ડેન્જરસ બૅટ્સમૅન બ્રેન્ડન મૅક્લમ ૩૨ રન બનાવી શક્યો હતો.