પેસ પાવર સામે લંકનો લાચાર

28 December, 2014 05:35 AM IST  | 

પેસ પાવર સામે લંકનો લાચાર


ક્રાઇસ્ટચર્ચમાં હેગલ ઓવલ મેદાન પર ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચનો પહેલો દિવસ કિવી કૅપ્ટન બ્રેન્ડન મૅક્લમે ગજાવ્યા બાદ ગઈ કાલે બીજા દિવસે પેસ બોલરો ટ્રેન્ટ બૉલ્ટ (૨૫ રનમાં ત્રણ), નીલ વૅગ્નર (૬૦ રનમાં ત્રણ), ટીમ સાઉધી (૧૭ રનમાં બે) અને જિમી નીશૅમે (૨૮ રનમાં બે) પાવર બતાવતાં શ્રીલંકા નાજુક સ્થિતિમાં પહોંચી ગયું હતું.

પહેલા દિવસના ૭ વિકેટે ૪૨૯ રનના સ્કોરથી આગળ રમતાં ન્યુ ઝીલૅન્ડે વધુ ૧૨ રન બનાવીને બાકીની ત્રણેય વિકેટ ગુમાવી દીધી હતી અને ૪૪૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે શ્રીલંકા પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવીને બૅકફૂટ પર આવી ગયું હતું અને ૪૨.૪ ઓવરમાં ફક્ત ૧૩૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે સૌથી વધુ ૫૦ રન બનાવી એકલે હાથે લડત આપી હતી. લહિરુ થિરિમનેએ ૨૪ અને ધમિકા પ્રસાદે ૧૮ રન બનાવ્યા હતા.

જોકે ૩૦૩ રનની લીડ સાથે ફૉલોઑન બાદ શ્રીલંકાએ મક્કમ લડત આપી હતી અને ૩૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૮૪ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ખાતું પણ ખોલાવી ન શકનાર દિમુથ કરુણારત્ને ૪૯ અને કુશલ સિલ્વા ૩૩ રન સાથે મેદાનમાં ટકી રહ્યા હતા.