ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને ૧૯૮ રનથી હરાવ્યું

26 March, 2023 10:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પરાજયને કારણે વન-ડે વર્લ્ડ કપમાં સીધા ક્વૉલિફાય થવાની શ્રીલંકાની રાહ પડકારજનક બની

શ્રીલંકાની વિકેટની ઉજવણી કરતો ન્યુ ઝીલૅન્ડનો બોલર હૅરી શિપલી. તસવીર એ.એફ.પી.

ઑકલૅન્ડમાં રમાયેલી મૅચમાં બોલર હૅરી શિપલીએ ૩૧ રન આપીને લીધેલી પાંચ વિકેટને કારણે શ્રીલંકા ગઈ કાલે ૭૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ન્યુ ઝીલૅન્ડે પહેલી વન-ડે ૧૯૮ રનથી જીતી લીધી હતી. ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં સીધા ક્વૉલિફાય થવા માટે શ્રીલંકાએ ત્રણેય વન-ડેમાં વિજય જરૂરી હતો, પરંતુ હવે એણે બીજા પર આધાર રાખવો પડશે. ન્યુ ઝીલૅન્ડે પહેલાં બૅટિંગ કરતાં ૪૯.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૨૭૪ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા ન્યુ ઝીલૅન્ડ સામે એના ૧૦૦થી ઓછા સ્કોરમાં ઑલઆઉટ થઈ ગયું હતું, જે વન-ડેમાં પાંચમા ક્રમાંકનો ઓછો સ્કોર છે.

આ પણ વાંચો:  એશિયા કપ પાકિસ્તાનમાં, ભારતની મૅચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર

શ્રીલંકાએ પહેલી બે વિકેટ ૧૪ રને ગુમાવી હતી. ત્રીજી ૨૦ રને, ચોથી અને પાંચમી વિકેટ ૩૧ રનના સ્કોર જ પડી ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડના નૉર્થ આઇલૅન્ડ પર ૧૪ ફેબ્રુઆરીએ ત્રાટકેલા ગૅબ્રિયલ વાવાઝોડા સમયે રાહતકાર્યમાં જોડાયેલા કર્મચારીઓને સન્માનવાનો કાર્યક્રમ ૧૪.૨ ઓવર બાદ રાખવામાં આવ્યો ત્યારે શ્રીલંકાએ ૪૯ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી અને ૧૯.૫ ઓવરમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઍન્જેલો મૅથ્યુઝ સહિત માત્ર ત્રણ શ્રીલંકાના બૅટર્સ બે આંકડામાં રન કરી શક્યા હતા. ન્યુ ઝીલૅન્ડના બોલર હૅરી શિપલીએ ઓપનર પથમુ નિશંકા (૯), કુસલ મેન્ડિસ (૦), ચરીશ અસલાન્કા (૯), ચમિકા કરુણારત્ને (૧૧) અને કૅપ્ટન દસુન શનાકા (૦)ને આઉટ કર્યા હતા. 

શ્રીલંકાએ ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં સીધા ક્વૉલિફાય થવા માટે ત્રણેય મૅચ જીતવી જરૂરી છે. 

cricket news sri lanka new zealand sports sports news