ભારતીય ટીમને ન્યુ સાઉથ વેલ્સ સરકારે ક્વૉરન્ટીનમાં ટ્રેનિંગની છૂટ આપી

23 October, 2020 08:28 PM IST  |  Sydney | PTI

ભારતીય ટીમને ન્યુ સાઉથ વેલ્સ સરકારે ક્વૉરન્ટીનમાં ટ્રેનિંગની છૂટ આપી

પ્રતીકાત્મક તસવીર

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડની અને કેનબેરામાં યોજાનારી સિરીઝ પહેલાં ૧૪ દિવસના ફરજિયાત ક્વૉરન્ટીન-પિરિયડ દરમ્યાન ભારતીય ટીમ ટ્રેઇનિંગ કરી શકે એ માટે ન્યુ સાઉથ વેલ્સ સરકારે લીલી ઝંડી આપી દીધી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આઇપીએલ રમ્યા બાદ ઑસ્ટ્રેલિયા જનારી ભારતીય ટીમ સિડનીમાં કાંગારૂ ટીમ સાથે ટ્રેઇનિંગ કરી શકે એ માટે ન્યુ સાઉથ વેલ્સ સરકાર નજીકના સમયમાં નિર્ણય લઈ શકે છે.
વાસ્તવમાં ટીમ ઇન્ડિયા પહેલાં બ્રિસ્બેનમાં લૅન્ડ થવાની હતી, પણ ક્વીન્સલૅન્ડ સરકાર વિરાટ કોહલીની સેનાને ક્વૉરન્ટીન દરમ્યાન પ્રૅક્ટિસ કરવાની મંજૂરી નહોતી આપી રહી. બન્ને દેશો વચ્ચે ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે અને ચાર ટેસ્ટ મૅચ રમાશે. પહેલી બે વન-ડે ૨૭ અને ૨૯ નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે કેળાના મનૌકા ઓવલ સ્ટેડિયમમાં રમાશે.
પહેલી ટી૨૦ ગેમ પણ મનૌકા ઓવલ સ્ટેડિયમમાં રમાશે અને ત્યાર બાદ અંતિમ બે ટી૨૦ મૅચ રમવા માટે ટીમ સિડનીના ગ્રાઉન્ડ પર પાછી ફરશે.
૧૭થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પિન્ક બૉલ ટેસ્ટ રમાશે અને ૨૬ ડિસેમ્બરથી બૉક્સિંગ ડે ટેસ્ટ રમાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી મળ્યા બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા આ ટૂરનું અંતિમ શેડ્યુલ જાહેર કરી શકે છે. નવા વર્ષમાં ૭ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી સિડનીમાં ટેસ્ટ મૅચ રમાશે, જ્યારે અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં ૧૫ જાન્યુઆરીથી રમાશે.

cricket news sports news