વિઝા અશ્યૉરન્સની માગણી સામે માગી નો ઍક્ટ ઑફ ટેરરની ગૅરન્ટી

26 June, 2020 11:53 AM IST  |  New Delhi | Agencies

વિઝા અશ્યૉરન્સની માગણી સામે માગી નો ઍક્ટ ઑફ ટેરરની ગૅરન્ટી

બીસીસીઆઈ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને તાજેતરમાં આઇસીસી પાસે લેખિત માગણી કરી હતી કે જ્યારે ૨૦૨૧ અને ૨૦૨૩માં ટી૨૦ વર્લ્ડ કપ અને વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવે ત્યારે સરકાર વિઝાના કોઈ પ્રતિબંધ અમારા પર ન મૂકે. પાકિસ્તાનની આ અવળચંડાઈનો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડે તેની જ ભાષામાં આપ્યો છે અને એણે આઇસીસી પાસે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી ‘નો ઍક્ટ ઑફ ટેરર’ની લેખિત ગૅરન્ટી માગી છે. આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે ‘શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સરકાર વતી એ વાતની બાંયધરી આપે છે કે તેઓ ભારતમાં કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો નહીં કરે? કોઈ પણ પ્રકારની ગેરકાનૂની હરકત કે સીઝ ફાયર કે પુલવામા-અટૅક જેવી ઘટના નહીં કરે? આઇસીસીના કાયદા એકદમ સ્પષ્ટ છે કે કોઈ પણ દેશની સરકાર ચાલુ રમત વચ્ચે દખલઅંદાજી નહીં કરે અને એ પ્રમાણે કોઈ પણ દેશનું ક્રિકેટ બોર્ડ પણ કોઈ પણ દેશનાં રાજનૈતિક કામકાજો વચ્ચે દખલઅંદાજી નહીં કરે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે સમજવું જોઈએ અને એજન્ટ તરીકેનાં કામકાજ બંધ કરવાં જોઈએ, કેમ કે આઇસીસીને ખબર છે કે તેણે ભારતના પક્ષમાં કે ભારત વિરુદ્ધ કયાં અને કેવાં પગલાં લેવાં જોઈએ. મારે માત્ર એટલું કહેવું છે કે ભારત એક સુંદર દેશ છે અને એ સારી રીતે વર્તન કરવાનું જાણે છે.’

તાજેતરમાં એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં વસીમ ખાને પાકિસ્તાની પ્લેયર્સ માટે ઍડ્વાન્સમાં વિઝાની માગણી કરી હતી. ભારતમાં માત્ર ક્રિકેટ જ નહીં, પણ અન્ય સ્પોર્ટ્સ માટે પણ પાકિસ્તાનના પ્લેયરને વિઝા આપવામાં નથી આવતા એ મુદ્દે વસીમ ખાને નારાજગી વ્યક્ત કરી હતી.

board of control for cricket in india cricket news sports news