રાજકોટમાં મુંબઈ સામે પહેલો દિવસ સૌરાષ્ટ્રનો

07 December, 2011 09:39 AM IST  | 

રાજકોટમાં મુંબઈ સામે પહેલો દિવસ સૌરાષ્ટ્રનો

 

ઓપનરો ચિરાગ પાઠક (૧૧૬ રન, ૨૪૬ બૉલ, ૧૩ ફોર) અને ભૂષણ ચૌહાણ (૮૭ નૉટઆઉટ, ૨૬૦ બૉલ, ૭ ફોર) વચ્ચેની ૨૧૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપે એલીટ ગ્રુપના પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૬ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન ધરાવતા મુંબઈના પ્લેયરોનો ઉત્સાહ તોડી નાખ્યો હતો.

૨૪ વર્ષના લેફ્ટી ઓપનર પાઠક અને ૨૭ વર્ષના ચૌહાણ ત્રણ વર્ષે ફરી ડબલ સેન્ચુરીની પાર્ટનરશિપ સાથે મુંબઈને ભારે પડ્યા છે. નવેમ્બર ૨૦૦૮માં રાજકોટની રણજી મૅચમાં તેમની વચ્ચે ૨૭૫ રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી જે મુંબઈ સામે સૌરાષ્ટ્રનો વિક્રમ છે.

ગઈ કાલે સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં પહેલા દિવસની ડ્રાય પિચ પર બે વિકેટે ૨૪૪ રન બનાવ્યા હતા. ભૂષણની સાથે ચેતેશ્વર પૂજારા ૭ રને નૉટઆઉટ હતો.

પાઠક મુંબઈને પાછો નડ્યો

ઓપનર ચિરાગ પાઠકે નવેમ્બર ૨૦૦૮માં રાજકોટમાં મુંબઈ સામેની રણજી મૅચથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની કરીઅર શરૂ કરી હતી. એના પ્રથમ દાવમાં પાઠકે ૧૭૦ રન બનાવ્યા હતા અને ગઈ કાલે ફરી તેણે રાજકોટમાં મુંબઈ સામે સદી ફટકારી હતી. પાઠકની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ પાંચમી સદી હતી. ૨૦૦૮ની મૅચમાં પાઠક સાથે ભૂષણે પણ સેન્ચુરી (૧૦૪) ફટકારી હતી. એટલું જ નહીં, ત્યાર પછી ચેતેશ્વર પૂજારા (૧૭૬)એ પણ મુંબઈની બોલિંગનો કચરો કરી નાખ્યો હતો. સૌરાષ્ટ્રએ ચાર વિકેટે ૬૪૩ રને દાવ ડિક્લેર કર્યો હતો અને પછી મુંબઈને ૨૧૪ રનમાં ઑલઆઉટ કરીને ડ્રૉ મૅચમાં પ્રથમ દાવની સરસાઈથી ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા.

ઝહીરનો ફ્લૅટ વિકેટ પર સંઘર્ષ

ઝહીર ખાન ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં કદાચ છેલ્લી વખત રણજીમાં રમી રહ્યો છે. ગઈ કાલે તેને ૧૩ ઓવરની બોલિંગમાં પંચાવન રનના ખર્ચે એક જ વિકેટ મળી હતી. રાજકોટની ફ્લૅટ વિકેટ પર તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઝહીર ખાસ કંઈ ઉત્સાહમાં નહોતો

ગઈ કાલે ટૉસ જીતીને સૌરાષ્ટ્રએ બૅટિંગ લીધી ત્યાર બાદ મુંબઈના પ્લેયરોમાં સૌથી પહેલાં ઝહીર ખાન મેદાન પર ઊતર્યો હતો. તેની ઓવરના ત્રીજા જ બૉલમાં ચિરાગ પાઠક સામે વિકેટકીપર સુશાંત મરાઠે તેમ જ સ્લિપના ફીલ્ડરોએ એલબીડબ્લ્યુની જોરદાર અપીલ કરી હતી. જોકે ખુદ ઝહીરને અપીલ કરવામાં કોઈ રસ નહોતો. તેણે બૉલ હાથમાં લઈને પછીના બૉલ માટે રન-અપ પર ચાલવા માંડ્યો હતો.

સૌરાષ્ટ્રની ૭૮મી ઓવરમાં ઝહીર ખાનને પ્રથમ શિકાર કરવા મળ્યો હતો. તેણે સાગર જોગિયાણી (૮ રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. જોકે ઝહીર સામાન્ય રીતે વિકેટ લીધા પછી જે જોશમાં જોવા મળતો હોય છે એવો આ વિકેટ વખતે નહોતો જોવા મળ્યો. તેણે હાથ પરથી પસીનો સાફ કર્યો હતો અને ચૂપચાપ સાથીઓની શાબાશી મેળવીને ઓવર પૂરી થઈ હોવાથી ફીલ્ડિંગમાં પોતાના સ્થાને જતો રહ્યો હતો. તેની બૉડી-લૅન્ગવેજ પરથી લાગતું હતું કે તેને આ મૅચમાં ખાસ કોઈ વધુ સફળતા ન મળી હોવાથી થોડો નિરાશ તો હતો, પરંતુ તેને રિધમ પાછી મેળવવામાં જ સૌથી વધુ રસ હતો.

ગુજરાત સામે બરોડાના ૧૯૨/૭

વડોદરામાં ગઈ કાલે રણજી મૅચના પ્રારંભિક દિવસે ગુજરાત સામે બરોડાએ ૧૯૨ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી. મિડલ-ઑર્ડર બૅટ્સમૅન રાકેશ સોલંકીના ૬૯ રન ટીમમાં હાઈએસ્ટ હતા. ઇરફાન પઠાણ વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી બે મૅચ માટેની ટીમમાં સામેલ થયો હોવાથી આ મૅચમાં નથી રમ્યો અને તેના મોટો ભાઈ યુસુફ હજી ઈજામાંથી મુક્ત નથી થયો.

ઇન્દોરમાં ૧૬ વિકેટ પડી

ઇન્દોરમાં ગઈ કાલના પ્રથમ દિવસે મધ્ય પ્રદેશ સામે દિલ્હી ૧૫૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ મધ્ય પ્રદેશે પણ રમતના અંત સુધીમાં ૮૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. છમાંથી આશિષ નેહરા અને પ્રદીપ સંગવાને બે-બે વિકેટ લીધી હતી.

મુકુંદના શૉટમાં ફીલ્ડરને ઈજા

કલકત્તામાં તામિલનાડુના ઓપનર અભિનવ મુકુંદના એક શૉટમાં શૉર્ટ-લેગ પર ફીલ્ડિંગ કરી રહેલા બેન્ગાલના ઓપનિંગ બૅટ્સમૅન રોહન બૅનરજીને પેટમાં બૉલ વાગ્યો હતો. તેને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મુકંદ ૮૩ રને આઉટ થયો હતો. તામિલનાડુએ પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૨૬૧ રન બનાવ્યા હતા.

મુંબઈ માટે રાજકોટ અનલકી

રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ ક્યારેય પણ રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે નથી જીતી શકી. એટલું જ નહીં, છેલ્લા થોડા વષોર્માં રાજકોટમાં સૌરાષ્ટ્રની ટીમે મુંબઈને ફર્સ્ટ ઇનિંગ્સની લીડ પણ ક્યારેય નથી લેવા દીધી. એ રીતે રાજકોટના મેદાનો મુંબઈની રણજી ટીમ માટે નસીબવંતા નથી.