ગુજરાતથી આવેલાં મા-દીકરાનું ટ્રેનની અડફેટે મોત

30 November, 2014 05:18 AM IST  | 

ગુજરાતથી આવેલાં મા-દીકરાનું ટ્રેનની અડફેટે મોત




મુંબઈભરમાં દરરોજ ટ્રેન-ઍક્સિડન્ટ વિશે ન્યુઝપેપર અને ન્યુઝ-ચૅનલો દ્વારા તેમ જ રેલવે-પ્લૅટફૉર્મ પર કે ટ્રેનોમાં વારંવાર પ્રવાસીઓને સાવચેત કરવામાં આવે છે છતાં પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરીને ફટાફટ ઘરે પહોંચવાની ઉતાવળમાં ટ્રૅક ક્રૉસ કરતા જ હોય છે. એક દિવસમાં લગભગ આઠેક જેટલો લોકો દરરોજ રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવે છે છતાં પ્રવાસીઓ એ વિશે જરાય ધ્યાન આપતા નથી એવું ગઈ કાલે બનેલી ઘટના પરથી ફરી સ્પષ્ટ થયું છે.

વિરાર (વેસ્ટ)ની ગોકુલ ટાઉનશિપમાં આવેલી વિનય યુનિક રેસિડન્સીના બિલ્ડિંગ-નંબર ૩માં એક રહેવાસીના ઘરે લગ્નપ્રસંગ માટે દેશમાંથી આવેલી વરરાજાની માસી અને તેમનો ૬ વર્ષનો દીકરો જે ટ્રેનમાં આવી રહ્યાં હતાં એ મેલ ટ્રેન વિરાર રેલવે-સ્ટેશનથી થોડે દૂર ઊભી રહી ગઈ હતી. દરમ્યાન તેમણે જોયું કે અનેક લોકો પાટા ક્રૉસ કરી રહ્યા હતા એટલે તેમણે પણ વિચાર્યું કે અમે પણ ટ્રેનમાંથી ઊતરી જઈએ. તેઓ જ્યારે ઊતર્યા બરાબર એ જ વખતે સામેના પાટા પર સ્પીડમાં આવી રહેલી ટ્રેને તેમને અડફેટમાં લીધાં હતાં, જેમાં તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે તેમની ડેડ-બૉડી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા બાદ બન્નેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોમવારે ઘરમાં લગ્ન છે અને અચાનક આવો બનાવ બનતાં ઘરના સભ્યો આઘાતમાં મુકાઈ ગયા છે.