મુંબઈ ઇન્ડિયન્સે ૪૪ રનમાં ગુમાવી ૮ વિકેટ: ૧૧માંથી ૯ મૅચમાં પરાજિત

11 May, 2022 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કલકત્તા નાઇટ રાઇડર્સે બૅટિંગ મળ્યા પછી ૯ વિકેટે ૧૬૫ રન બનાવ્યા બાદ રોહિત શર્મા ઍન્ડ કંપની ફક્ત ૧૧૩ રનમાં આઉટ થઈ જતાં બાવન રનથી હારી ગઈ હતી.

મુંબઈ ઇન્ડિયન્સે ૪૪ રનમાં ગુમાવી ૮ વિકેટ

ગઈ કાલે સાંજે એક તરફ બે નવી ટીમ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ૧૧માંથી ૮ મૅચ જીતીને પ્લે-ઑફમાં જવાની તૈયારીમાં હતી ત્યારે બીજી બાજુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૧૧માંથી ૯ મૅચ હારી જતાં પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે જળવાઈ રહી હતી અને એવું લાગે છે કે લીગ રાઉન્ડના અંતે પણ બૉટમમાં આ જ ટીમ જોવા મળશે.
સોમવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કલકત્તા નાઇટ રાઇડર્સે બૅટિંગ મળ્યા પછી ૯ વિકેટે ૧૬૫ રન બનાવ્યા બાદ રોહિત શર્મા ઍન્ડ કંપની ફક્ત ૧૧૩ રનમાં આઉટ થઈ જતાં બાવન રનથી હારી ગઈ હતી. એક સમયે મુંબઈનો સ્કોર બે વિકેટે ૬૯ રન હતો અને એ તબક્કે પણ મુંબઈને જીતની આશા હતી, પણ આ ટીમે છેલ્લી આઠ વિકેટ ફક્ત ૪૪ રનમાં ગુમાવી દીધી હતી.
કિશનના ૫૧ રન પાણીમાં
આ સીઝનમાં સૌથી વધુ ૧૫.૨૫ કરોડ રૂપિયાની કિંમતે ખરીદાયેલા ઈશાન કિશન (૫૧ રન, ૪૩ બૉલ, અેક સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરી એળે ગઈ હતી. રોહિત શર્મા (૨ રન), તિલક વર્મા (૬), રમણદીપ સિંહ (૧૨), ટિમ ડેવિડ (૧૩), કીરોન પોલાર્ડ (૧૫) અને ડૅનિયલ સેમ્સ (૧) સદંતર ફ્લૉપ ગયા હતા.
કમિન્સની ત્રણ, રસેલની બે વિકેટ
કલકત્તાના ફાસ્ટ બોલર પૅટ કમિન્સે બાવીસ રનમાં ત્રણ અને આન્દ્રે રસેલે બાવીસ રનમાં બે વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીને બાવીસ રનમાં એક વિકેટ મળી હતી. રોહિત શર્માની વિકેટ ટિમ સાઉધીએ લીધી હતી. કમિન્સ છેક ચાર મૅચ પછી ફરી સારું રમ્યો હતો.

sports news ipl 2022