હાર્દિક પંડ્યાની પર્સનલ લાઇફ ભારે પડી રહી છે ટીમ પર?

01 May, 2026 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના નબળા પર્ફોર્મન્સ માટે ચાહકો કૅપ્ટનને જ જવાબદાર ગણાવીને સોશ્યલ મીડિયામાં તેની ગર્લફ્રેન્ડને ટ્રોલ કરી રહ્યા છે

હાર્દિક પંડયા અને માહિકા શર્મા

મુંબઈ બુધવારે હૈદરાબાદ સામે ૨૪૩ રન બનાવ્યા છતાં હારી ગયું. આ સીઝનમાં આઠમી મૅચમાં એની આ છઠ્ઠી હાર હતી. પાંચ વખતનાં ચૅમ્પિયન મુંબઈની આવી હાલત ચાહકોને હજમ નથી થઈ રહી અને તેઓ એના માટે કૅપ્ટન હાર્દિક પંડ્યાને અને ખાસ કરીને તેની પસર્નલ લાઇફને એ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે જ્યારે તેની ગર્લફેન્ડ માહિકા શર્મા મૅચ જોવા મેદાનમાં આવે છે ત્યારે મોટા ભાગે ટીમ હારી જાય છે. એવા આરોપ થઈ રહ્યા છે કે હાર્દિક ટીમની સ્ટ્રૅટેજી ઘડવાને બદલે માહિકા શર્મા પાછળ વધુ સમય આપી રહ્યો છે. મૅચ બાદ પણ તે માહિકા પાસે દોડી જાય છે. સોશ્યલ મીડિયામાં પણ હાર્દિક અવારનવાર માહિકાને મોંઘીદાટ ગિફ્ટ આપતા ફોટો પોસ્ટ કરતો રહેતો હોય છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાર્દિક અને માહિકાના સેલિબ્રેશનની પણ ખૂબ જ ટીકાઓ થઈ હતી. માહિકાને લીધે જ હાર્દિક અને તેના ભાઈ કૃણાલ વચ્ચે તિરાડ પડી હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી થઈ રહી છે. આ સીઝનમાં પણ હાર્દિકની સ્ટ્રૅટેજી લોકોને હજુ સુધી સમજાતી નથી. તેણે ૭ ઇનિંગ્સમાં માત્ર ૧૨૮ રન જ બનાવ્યા છે અને બોલિંગમાં પણ માત્ર ચાર વિકેટ લઈ શક્યો છે. ચાહકોનું કહેવું છે કે મુંબઈ પાંચ-પાંચવાર ચૅમ્પિયન બન્યું હતું કેમ કે ત્યારે ટીમની કમાન ટીમ માટે ફુલ્લી કમિટેડ રોહિત શર્માના હાથમાં હતી. આને લીધે જ મુંબઈએ જ્યારે રોહિતને હટાવીને હાર્દિકને કૅપ્ટન બનાવ્યો ત્યારે ઘણી વાર સ્ટેડિયમમાં હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો અને ચાહકો તેને સ્વીકારી જ નહોતા શક્યા, પણ સમય જતાં લોકોને તેને સ્વીકારી લીધો હતો. હવે જ્યારે તેની કૅપ્ટન્સીમાં મુંબઈના હાલબેહાલ થઈ જતાં ચાહકોનો ગુસ્સો ફરી બહાર આવી ગયો છે અને તેઓ માંગણી કરી રહ્યા છે કે ટીમને હાર્દિક જેવાની નહી પણ  રોહિત જેવા કૅપ્ટનની ખાસ જરૂર છે. 

hardik pandya IPL 2026 cricket news sports news sports mumbai indians