18 April, 2025 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઈન્ડિયન્સ
IPL 2025ની ૩૩મી મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે સનરાઈઝર્સ હૈદરાબાદને માત આપી હતી. હૈદરાબાદની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં ધીમી પિચ પર ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૬૨ રન બનાવ્યા હતા. મુંબઈની ટીમે ૧૮.૧ ઓવરમાં ૬ વિકેટના નુકસાન સાથે ૧૬૬ રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વાનખેડે સ્ટેડિયમમાં ૨૦૨૨ બાદ મુંબઈએ હૈદરાબાદ સામે સળંગ ત્રીજી જીત નોંધાવી છે. હૈદરાબાદની ટીમ આ સ્ટેડિયમમાં હોમ ટીમ સામે નવમાંથી માત્ર બે મૅચ જીતી શકી છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા હૈદરાબાદના બૅટર્સ સામે મુંબઈના બોલર્સનો દબદબો જોવા મળ્યો હતો. હૈદરાબાદના ઓપનર્સ અભિષેક શર્મા (૨૮ બૉલમાં ૪૦ રન) અને ટ્રૅવિસ હેડે (૨૯ બૉલમાં ૨૮ રન) કેટલાંક જીવતદાનના આધારે ૪૦ બૉલમાં ૫૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ચોથી વિકેટ માટે હેન્રિક ક્લાસેન (૨૮ બૉલમાં ૩૭ રન) અને નીતીશ કુમાર રેડ્ડી (૨૧ બૉલમાં ૧૯ રન)ની ૩૧ રનની ભાગીદારીના આધારે હૈદરાબાદની ટીમ ૧૦૦ પ્લસનો આંકડો વટાવી શકી હતી. યંગ બૅટર અનિકેત વર્મા (આઠ બૉલમાં ૧૮ રન) અને કૅપ્ટન પૅટ કમિન્સ (ચાર બૉલમાં આઠ રન)ની છઠ્ઠી વિકેટ માટેની અણનમ ૨૬ રનની પાર્ટનરશિપથી ટીમ માંડમાંડ ૧૫૦ પ્લસ રનનો સ્કોર પાર કરી શકી હતી.
મુંબઈ બોલર્સે એવી ધારદાર બોલિંગ કરી હતી કે હૈદરાબાદની ઇનિંગ્સનો પહેલો છગ્ગો છેક ૧૮મી ઓવરમાં આવ્યો હતો. સ્પિનર વિલ જેક્સ (૧૪ રનમાં બે વિકેટ)ને મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ મળી હતી, જ્યારે કૅપ્ટન હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા સ્ટાર બોલર્સને એક-એક સફળતા મળી હતી.
મુંબઈના ઓપનર રાયન રિકલ્ટને (૨૩ બૉલમાં ૩૧ રન) સાથી ઓપનર રોહિત શર્મા (૧૬ બૉલમાં ૨૬ રન) સાથે ૩૨ રનની ઓપનિંગ અને બીજી વિકેટ માટે વિલ જૅક્સ (૨૬ બૉલમાં ૩૬ રન) સાથે ૩૭ રનની પાર્ટનરશિપ કરીને જીતનો મજબૂત પાયો નાખ્યો હતો. વિલ જેક્સે ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ (૧૫ બૉલમાં ૨૬ રન) સાથે બાવન રનની ભાગીદારી કરીને જીત પાકી કરી લીધી હતી. તિલક વર્મા (૧૭ બૉલમાં ૨૧ રન અણનમ) અને કૅપ્ટન હાર્દિક પંડ્યા (નવ બૉલમાં ૨૧ રન)ની ઇનિંગ્સના આધારે મુંબઈએ અગિયાર બૉલ પહેલાં જીત મેળવી હતી.
હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર્સ પૅટ કમિન્સ (૨૬ રનમાં ત્રણ વિકેટ) અને ઈશાન મલિંગા (૩૬ રનમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યા હતા. સળંગ ૧૮ IPL સીઝન રમવા બદલ BCCI પ્રમુખ રૉજર બિન્નીએ રોહિત શર્માને સ્પેશ્યલ મેમેન્ટો આપીને સન્માનિત કર્યો. મુંબઈના વિલ જૅક્સે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં બે વિકેટ લીધા બાદ ૨૬ બૉલમાં ૩૬ રન પણ ફટકાર્યા હતા.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
|
દિલ્હી |
૬ |
૫ |
૧ |
+૦.૭૪૪ |
૮ |
|
ગુજરાત |
૬ |
૪ |
૨ |
+૧.૦૮૧ |
૮ |
|
બૅન્ગલોર |
૬ |
૪ |
૨ |
+૦.૬૭૨ |
૮ |
|
પંજાબ |
૬ |
૪ |
૨ |
+૦.૧૭૨ |
૮ |
|
લખનઉ |
૭ |
૪ |
૩ |
+૦.૦૮૬ |
૮ |
|
કલકત્તા |
૭ |
૩ |
૪ |
+૦.૫૪૭ |
૬ |
|
મુંબઈ |
૭ |
૩ |
૪ |
+૦.૨૩૯ |
૬ |
|
રાજસ્થાન |
૭ |
૨ |
૫ |
-૦.૭૧૪ |
૪ |
|
હૈદરાબાદ |
૭ |
૨ |
૫ |
-૧.૨૧૭ |
૪ |
|
ચેન્નઈ |
૭ |
૨ |
૫ |
-૧.૨૭૬ |
૪ |
|
ચેન્નઈ |
૭ |
૨ |
૫ |
-૧.૨૭૬ |
૪ |