આકાશે મને કહ્યું હતું, મમ્મી મુંબઈની ટીમ પર ભરોસો રાખજે : નીતા અંબાણી

10 October, 2011 08:13 PM IST  | 

આકાશે મને કહ્યું હતું, મમ્મી મુંબઈની ટીમ પર ભરોસો રાખજે : નીતા અંબાણી

 

 

મુંબઈની જીતથી ફ્રૅન્ચાઇઝીનાં ઓનર બેહદ ખુશ : ભજી મૅન ઑફ ધ ફાઇનલ ને મલિન્ગા મૅન ઑફ ધ સિરીઝ

 

ચેન્નઈ: આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની સૌથી મોંઘી ટીમ મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે મિની આઇપીએલ જેવી ગણાતી ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી પહેલી વાર જીતી લીધી હતી. નવા કૅપ્ટન હરભજન સિંહે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની ફાઇનલમાં ત્રણ વિકેટ ઝડપવા ઉપરાંત બેમિસાલ કૅપ્ટન્સીનું પ્રદર્શન કર્યું એ બદલ તેને મૅન ઑફ ફાઇનલનો અવૉર્ડ મળ્યો હતો. લસિથ મલિન્ગા મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.


મુંબઈએ માત્ર ૧૩૯ રન કર્યા હતા જેના જવાબમાં બૅન્ગલોર ફક્ત ૧૦૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલી સહિતના સ્ટાર બૅટ્સમેનો ફ્લોપ ગયા હતા. મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીનાં માલિક નીતા અંબાણીએ જીત્યા પછી કહ્યું હતું કે ‘મારો પુત્ર આકાશ અમેરિકામાં છે. તેણે મને ફોન પરની વાતચીતમાં વારંવાર કહ્યું હતું કે મમ્મી, મુંબઈ ઇન્ડિયન્સની જ જીત થશે. આપણી ટીમ ટ્રોફી જીતવા માટે ઘણી ટૅલન્ટેડ છે. તેણે મને મુંબઈની ટીમ પર ભરોસો રાખવાની સતત સલાહ આપી હતી અને એટલે જ હું પૉઝિટિવ અભિગમ જાળવી રાખીને પ્લેયરોને પાનો ચડાવતી રહી હતી. મારો ખાસ ફ્રેન્ડ શાહરુખ ખાન પણ મારી સાથે બેઠો હતો એટલે મારું આત્મબળ ઑર વધી ગયું હતું. મુંબઈની જીત વિશે ખુશી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી.’


કૅપ્ટન હરભજન સિંહે કહ્યું હતું કે ‘અમે ઈજાગ્રસ્તો સચિન તેન્ડુલકર, રોહિત શર્મા અને મુનાફ પટેલ વગર પણ ટ્રોફી જીતી ગયા તો હવે આ ત્રણેયના પુનરાગમન સાથે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કેટલી બધી સ્ટ્રૉન્ગ થઈ જશે એ વિચારું છું તો મારામાં ખુશી સમાતી નથી.’