સગાઈ પછી મારું નસીબ ખીલ્યું છે

04 December, 2012 07:02 AM IST  | 

સગાઈ પછી મારું નસીબ ખીલ્યું છે




(હરિત એન. જોશી)

મુંબઈ, તા. ૪

બ્રેબૉર્ન સ્ટેડિયમમાં બેન્ગાલ સામેની ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલે ત્રીજા દિવસે ૨૮ વર્ષની ઉંમરના મુંબઈના વનડાઉન બૅટ્સમૅન હિકેન શાહે ધૈર્યભરી ઇનિંગ્સથી ૨૦૯ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૧૧૮ રન બનાવીને મુંબઈને જીતના પથ પર લાવી દીધું હતું.

હિકેન ૨૬ ડિસેમ્બરે તેની ફિયાન્સે નિધિ દોશી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જશે. નિધિએ ફાઇનૅન્સમાં એમબીએ કરેલું છે.

હિકેનની આ રણજી સીઝનમાં આ સતત ત્રીજી સેન્ચુરી છે. તેણે રાજસ્થાન સામેની પ્રથમ મૅચમાં ૧૪૦ રન અને પછી હૈદરાબાદ સામે ૧૫૬ રન બનાવ્યા હતા. તેણે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપ્રિલમાં નિધિ સાથે મારી સગાઈ થઈ ત્યાર પછી હું બહુ સારું પફોર્ર્મ કરી રહ્યો છું. મને લાગે છે કે એન્ગેજમેન્ટ પછી મારું ભાગ્યચક્ર ફરી ગયું છે.’

મુંબઈ સામે બેન્ગાલ ૩૯૧ના ટાર્ગેટ સામે વિના વિકેટે ૪૭

બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે ચાર દિવસની રણજી મૅચના ત્રીજા દિવસે બેન્ગાલ સામે મુંબઈએ બીજા દાવમાં હિકેન શાહની સદી (૧૧૮)ની મદદથી પાંચ વિકેટના ભોગે ૨૯૪ રન બનાવીને બેન્ગાલને ૩૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યાંક સામે બેન્ગાલે વિના વિકેટે ૪૭ રન બનાવ્યા હતા અને હજી ૩૪૪ રન બનાવવાના બાકી હતા. મુંબઈ આજે જીતી શકે અથવા મૅચ ડ્રૉમાં જતાં પ્રથમ દાવની લીડના આધારે વધુ પૉઇન્ટ મેળવી શકે.

ગઈ કાલે હિકેન શાહની સદી ઉપરાંત અભિષેક નાયરે અણનમ ૭૩ રનનું યોગદાન આપ્યું હતું.

અન્ય રણજી મૅચોમાં શું બન્યું?

રાજકોટમાં ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલના ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાના ૩૩૧ રન

અને કમલેશ મકવાણાના અણનમ ૧૦૦ રનની મદદથી સૌરાષ્ટ્રે ૯ વિકેટે ૫૭૬ રને ડિક્લેર કરેલા દાવ સામે રેલવેએ એક વિકેટના ભોગે ૧૫૭ રન બનાવ્યા હતા.

વલસાડમાં ગુજરાતના ૫૬૬ રન સામે હૈદરાબાદે ૪ વિકેટે ૨૯૧ રન બનાવ્યા હતા.

કાનપુરમાં બરોડા સામે ઉત્તર પ્રદેશે ૧૦ વિકેટે વિજય મેળવીને બોનસ સહિત ૭ પૉઇન્ટ મેળવ્યા હતા. ઉત્તર પ્રદેશે પ્રથમ દાવમાં ૧૦૭ રનની લીડ લીધા પછી ગઈ કાલે બરોડા સેકન્ડ ઇનિંગ્સમાં ભુવનેશ્વરકુમારની પાંચ વિકેટને કારણે ૧૧૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને ઉત્તર પ્રદેશે મળેલો માત્ર ૮ રનનો ટાર્ગેટ વિના વિકેટે મેળવી લીધો હતો.

રોહતકમાં હરિયાણાએ દિલ્હી સામે પ્રથમ દાવમાં ૮૩ રનની લીડ લીધા પછી બીજા દાવમાં ૬ વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા અને લીડ સાથે એ ૨૫૦ રનથી આગળ હતું.