મુલુંડનાં ભાઈ-બહેન નૅશનલ કરાટેમાં બે-બે મેડલ જીત્યાં

22 November, 2012 03:07 AM IST  | 

મુલુંડનાં ભાઈ-બહેન નૅશનલ કરાટેમાં બે-બે મેડલ જીત્યાં



મુલુંડ (વેસ્ટ)માં રહેતાં શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજનાં બે બાળકો થોડા દિવસ પહેલાં ગોવાની રાષ્ટ્રીય સ્તરની કરાટે ટુર્નામેન્ટમાં કુલ ચાર મેડલ જીતીને મુંબઈ પાછાં આવ્યાં હતાં.

આ સિદ્ધિ ૧૧ વર્ષની ઉંમરના રિશી લાખાણી અને તેની નાની બહેન ક્રિશીએ મેળવી હતી. રિશી અન્ડર-૧૧ કૅટેગરીમાં કાતા નામની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કુમિતે ઇવેન્ટમાં પણ તેણે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સ્પર્ધકો વચ્ચે બીજા નંબર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. મુલુંડ (વેસ્ટ)ની એન. ઈ. એસ. નૅશનલ પબ્લિક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતા રિશીએ ગયા મહિને શ્રીલંકામાં ભારત-શ્રીલંકા કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ એમ ત્રણેય મેડલ મેળવ્યા હતા.

રિશીની બહેન ક્રિશી પણ ગોવાની સ્પર્ધામાં કાતા અને કુમિતે ઇવેન્ટમાં ચંદ્રક જીતી હતી. તેણે અન્ડર-૫ કૅટેગરીની આ બન્ને હરીફાઈમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. મોટા ભાઈ રિશીની જેમ તે પણ ગયા મહિને શ્રીલંકાની ટુર્નામેન્ટમાં મેડલો જીતી હતી. ક્રિશીએ બે ગોલ્ડ અને એક બ્રૉન્ઝ સહિત ત્રણ મેડલ હાંસલ કર્યા હતા. ક્રિશીએ થોડા મહિના પહેલાં એશિયા કપમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

ક્રિશી પણ એન. ઈ. એસ. નૅશનલ પબ્લિક સ્કૂલમાં ભણે છે. તે પહેલા ધોરણમાં છે.

રિશી અને ક્રિશીનાં પપ્પા શૈલેશ લાખાણી કેમિકલના બિઝનેસમાં છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારાં બન્ને બાળકોએ છેલ્લાં ૧૦ મહિના દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં મેડલો જીતીને અમારી જ્ઞાતિનું, મુલુંડનું તેમ જ દેશનું નામ રોશન કર્યું છે એ બદલ હું ગર્વ અનુભવું છું.