IPL ફિક્સિંગમાં વર્લ્ડકપ રમી ચુકેલા ક્રિકેટરનું નામ

04 November, 2014 07:27 AM IST  | 

IPL ફિક્સિંગમાં વર્લ્ડકપ રમી ચુકેલા ક્રિકેટરનું નામ



નવી દિલ્હી : તા. 04 નવેમ્બર

અંગ્રેજી સમાચારપત્ર ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશીત થયેલા અહેવાલ અનુસાર આ ખેલાડી હાલ ટીમ ઈન્ડિયાનો નિયમિત સભ્ય નથી, પણ આઈપીએલની છઠ્ઠી સીઝનમાં તેના પર ઘણી મોટી બોલી લગાવવામાં આવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ખેલાડી પહેલાથી જ શંકાના દાયરામાં રહેલી રાજસ્થાન રોયલ્સ કે ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ નથી. સ્પૉટ ફિક્સિંગ મામલે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની અગાઉ ધરપકડ થઈ ચુકી છે જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સના અધિકારી અને શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન પર સટ્ટાબાજીનો આરોપો લગાવવામાં આવ્યા હતાં. તેથી રાજસ્થાન અને ચેન્નઈ એમ બંને ટીમો તપાસના ઘેરામાં પણ હતી.

ગોપનિયતા માટે મુગદલ કમિટીએ પોતાના અંતિમ રિપોર્ટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ જે લોકોની તપાસ કરવામાં આવી હતી તેને નંબર આપવામાં આવ્યા હતાં અને નંબરો દ્વાર જ સંબોધીત કરવામાં આવ્યા હતાં. રિપોર્ટમાં કયા નંબરનો કોની સાથે સંબંધ છે તેની વિસ્તૃત માહીતી સંબંધીત ન્યાયાધીશને જ સોંપવામાં આવશે.

આઈપીએલ-6 દરમિયાન બહાર આવેલા સટ્ટાબાજી અને સ્પૉટ ફિક્સિંગ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયધિશ મુકુલ મુગદલની આગેવાનીમાં એક તપાસ સમિતિ નીમી હતી. સુપ્રીમ કોર્ટે મુગદલ કમિટીની તપાસમાં મદદ માટે ભારતીય પોલીસ સેવાના અધિકારી બી બી મિશ્રાની પણ નિમણૂંક કરી હતી. મુગદલ કમિટીને તપાસ દરમિયાન ત્રણ વર્ષ જુની ફોન ટેપ સાંભળી હતી જેમાં તેને ફિક્સિંગના સંકેત મળ્યાં હતાં. ફોરેન્સિક તપાસ હાથ ધરાતા ઓડિયો ટેપના અવાજના નમુનાઓ મેળ ખાતા હતા. આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. બી બી મિશ્રાએ શંકાના ઘેરામાં આવેલા ખેલાડીઓને સમન્સ પાઠવી તેમની પુછપરછ કરી હતી. અગાઉ તપાસનો રેલો ભારતીય ટીમ વતી રમી રહેલા કપ્તાન ધોની અને સુરેશ રૈના સુધી પહોંચ્યો હતો અને તેમની ચાર કલાક જેટલી મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોની-રૈનાને મયપ્પનની ભૂમિકાને લઈને સવાલો કરવામાં આવ્યા હતાં.

નિર્ધારીત સમયમર્યાદાને ધ્યાનમાં લઈને તપાસ કમિટીએ ગઈ કાલે તપાસ કમિટીએ પોતાનો અંતિમ અહેવાલ સીલબંધ કવરમાં સુપ્રીમમાં રજુ કરી દીધો હતો. જેની આગામી સુનાવણી 10મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવનાર છે. હવે કોના કોના નામ બહાર આવશે તેની ભારે ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મયપ્પન વિરૂદ્ધ ગાળીયો વધુ મજબુત બને તે નક્કી મનાઈ રહ્યું છે. જ્યારે શ્રીનિવાસન તથા ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલની ટીમ વિરૂદ્ધ શું કાર્યવાહી થશે તે જોવુ પણ રસપ્રદ રહેશે. મુગદલ કમિટીના રિપોર્ટમાં કેટલાક લોકો વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવે તો, એ પણ જોવાનું પણ રસપ્રદ રહેશે કે સુપ્રીમ કોર્ટ પોલીસ તપાસ પુરી થવાની અને ચાર્જશીટ દાખલ કરવા સુધીની રાહ જોશે કે તત્કાળ જ કોઈ આદેશ અને નિર્દેશ જારી કરશે.