અમે અંબાતી રાયુડુ સાથે કોઈ ભેદભાવ નથી કર્યો

22 July, 2019 10:46 AM IST  |  મુંબઈ

અમે અંબાતી રાયુડુ સાથે કોઈ ભેદભાવ નથી કર્યો

એમ. એસ. કે પ્રસાદ

ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીના ચૅરમૅન એમએસકે પ્રસાદે વન-ડે વર્લ્ડ કપની ટીમમાંથી બાકાત રખાયેલા પ્લેયરો વિશે ચોખવટ કરતાં કહ્યું કે ‘અમે અંબાતી રાયુડુને વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ ન કરીને તેની સાથે કોઈ ભેદભાવ નથી કર્યો. રાયુડુને પહેલાં વર્લ્ડ કપના રિઝર્વ ખેલાડીઓમાં સમાવવામાં આવ્યો હતો છતાં શિખર ધવન અને વિજય શંકરને ઈજા થઈ હોવા છતાં તેને ટીમમાં ન સમાવાતાં તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થવાની જાહેરાત કરી હતી.’

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર પ્રસાદે રાયુડુના ૩ડી ટ્વીટ વિશે કહ્યું કે ‘તેણે ટ્વીટ ખરા સમયે કર્યું હતું જે મને ગમ્યું. મને ખબર નથી કે તેને કેવી રીતે આ ટ્વીટ કરવાનું સુઝ્યું હશે?’

તેણે રાયુડુને સિલેક્ટ ન કરવા વિશે કહ્યું, ‘રાયુડુ જેટલો ઇમોશનલ થયો હતો એટલા જ ઇમોશનલ અમે તેને સિલેક્ટ ન કરવા બદલ થયા હતા. જ્યારે અમે કોઈ પ્લેયરને સિલેક્ટ કરીએ અને તે સારું પર્ફોર્મ કરે ત્યારે અમને તેના પર આનંદ થાય, પણ કોઈ ખેલાડી ટીમમાંથી ડ્રૉપ થાય ત્યારે અમને પણ દુ:ખ થાય છે છતાં અમે તેની સાથે કોઈ ભેદભાવ નથી કર્યો અને વિજય શંકર, રિષભ પંત અને મયંક અગરવાલને સિલેક્ટ કરીને કોઈ ફેવરેટિઝમ નથી કર્યું.’

આ પણ વાંચોઃ ધોની લેજન્ડ ખેલાડી છે, તે જાણે છે ક્યારે રિટાયર થવું : એમએસકે પ્રસાદ

તેમણે આગળ કહ્યું, ‘તે ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ પહેલાં યો-યો ટેસ્ટમાં ફેલ થયો હતો ત્યારે આ સિલેક્શન કમિટીએ તેને સપોર્ટ કર્યો હતો. તેને એક મહિનાના ફિટનેસ પ્રોગ્રામમાં મોકલ્યો હતો છતાં અમુક પર્મુટેશન અને કૉમ્બિનેશનને કારણે અમે તેને ટીમમાં લઈ શક્યા નહોતા. એનો અર્થ એ નથી કે હું કે સિલેક્શન કમિટી કોઈ ખેલાડી સાથે ભેદભાવ કરે છે. ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે અમને પણ તેના માટે દુ:ખ થાય છે.’

team india sports news cricket news