કોહલીએ સદી ફટકારી ભારતની લાજ રાખી

16 December, 2012 03:40 AM IST  | 

કોહલીએ સદી ફટકારી ભારતની લાજ રાખી



નાગપુર : છેલ્લી ટેસ્ટ-મૅચ (સ્ટાર સ્પોર્ટ્સ અને સ્ટાર ક્રિકેટ પર સવારે ૯.૩૦)માં ગઈ કાલના ત્રીજા દિવસે ભારતે પ્રથમ દાવમાં વિરાટ કોહલી (૧૦૩ રન, ૨૯૫ બૉલ, ૧૧ ફોર) અને મહેન્દ્ર સિંહ ધોની (૯૯ રન, ૨૪૬ બૉલ, ૧ સિક્સર, ૮ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૧૯૮ રનની ભાગીદારીની મદદથી ૮ વિકેટના ભોગે ૨૯૭ રન બનાવ્યા હતા. જોકે ટીમ ઇન્ડિયા હજી ઇંગ્લૅન્ડના ૩૩૦ રનથી ૩૩ રન દૂર હતી.

કોહલીએ ગઈ કાલે લગભગ પોણાભાગના દિવસ સુધી ક્રીઝ પર રહીને જબરદસ્ત ધૈર્યભરી ઇનિંગ્સમાં મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે ધોની સાથેની જોડીમાં ભારતની થોડીઘણી આબરૂ બચાવી હતી. તેમની પાર્ટનરશિપથી ભારત સિરીઝમાં જીવંત રહ્યું હતું. તેણે ત્રીજી ટેસ્ટ-સદી પૂરી કર્યા પછી ૨૦૧૨ના વર્ષમાં ટેસ્ટ, વન-ડે અને T20 ત્રણેયમાં સૌથી વધુ ૨૦૮૮ રન બનાવનાર ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કને ઓળંગી લીધો હતો. કોહલીના આ ત્રણેય ફૉર્મેટમાં કુલ ૨૦૯૧ રન છે. આ લિસ્ટમાં કુમાર સંગકારા ૨૦૦૦ રન સાથે ત્રીજા નંબરે છે.

કૅપ્ટને કૅપ્ટનને રનઆઉટ કર્યો

ધોની ગઈ કાલે ૯૯ રને હતો ત્યારે જેમ્સ ઍન્ડરસનના બૉલમાં ઑફ સાઇડમાં શૉટ માર્યા બાદ રન દોડવા જતાં મિડ-ઑફ પર ઊભેલા હરીફ કૅપ્ટન ઍલસ્ટર કુકના સીધા થ્રોમાં રનઆઉટ થઈ ગયો હતો.

આજના પ્રથમ બે સેશન મહત્વનાં

આ મૅચમાં હજી ત્રણમાંથી કોઈ પણ પરિણામ શક્ય છે. ભારત આજે ઇંગ્લૅન્ડને લીડ આપે છે કે કેમ અને બીજા દાવમાં એને કેટલું કન્ટ્રોલમાં રાખે છે એના પર બધો આધાર છે. પિચ વધુ ટર્ન લઈ રહી હોવાથી છેલ્લી ઇનિંગ્સમાં ભારતીયોએ મૉન્ટી પનેસર અને ગ્રેમ સ્વૉનથી બચવું પડશે.

માહીની નંબર-ગેમ




ધોની ૯૯ રને રનઆઉટ થનાર છેલ્લા બાવન વર્ષનો આટલામો ભારતીય છે. છેલ્લે ૧૯૬૦ની સાલમાં એમ. એલ. જયસિંહાએ કાનપુરમાં પાકિસ્તાન સામે ૯૯ રને રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી



ધોની ટેસ્ટમાં ૯૯ રને આઉટ થનાર આટલામો ભારતીય પ્લેયર છે. આ પહેલાં વીરેન્દર સેહવાગ ૨૦૧૦માં શ્રીલંકા સામે આ સ્કોર પર આઉટ થયો હતો. સૌરવ ગાંગુલીએ બે વખત ૯૯ રને વિકેટ ગુમાવી હતી

૧૫

ધોની ૯૯ રને રનઆઉટ થનાર વિશ્વનો આટલામો ખેલાડી છે.

સ્કોર-બોર્ડ


ઇંગ્લૅન્ડ : પ્રથમ દાવ

૩૩૦ રને ઑલઆઉટ (રુટ ૭૩, પીટરસન ૭૩, પ્રાયર ૫૭, સ્વૉન ૫૬, ચાવલા ૬૯ રનમાં ચાર, ઇશાન્ત ૪૯ રનમાં ત્રણ અને જાડેજા ૫૮ રનમાં બે વિકેટ)

ભારત : પ્રથમ દાવ

૮ વિકેટે ૨૯૭ રન (વિરાટ ૧૦૩, ધોની ૯૯, ગંભીર ૩૭, પુજારા ૨૬, અશ્વિન ૭ નૉટઆઉટ, ઍન્ડરસન ૬૮ રનમાં ચાર અને સ્વૉન ૭૬ રનમાં ત્રણ વિકેટ, બ્રેસ્નન ૬૯ રનમાં અને પનેસર ૬૭ રનમાં એક પણ વિકેટ નહીં)