ધોનીએ વિરાટને આપી એક યાદગાર ભેટ

24 January, 2017 04:30 AM IST  | 

ધોનીએ વિરાટને આપી એક યાદગાર ભેટ



કૅપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને અત્યાર સુધી પ્રતીક તરીકે સ્ટમ્પ ભેગા કરવાની આદત હતી, પરંતુ જ્યારથી ભારતીય ક્રિકેટ ર્બોડે LED સ્ટમ્પનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું ત્યારથી સ્ટમ્પ લઈ જવાની ના પાડવામાં આવે છે. જોકે ભૂતપૂર્વ કૅપ્ટને એવું નક્કી કર્યું હતું કે તે વિરાટ કોહલીને એક એવી ભેટ આપે જે તેને લાંબો સમય યાદ રહે. ધોનીએ સ્મૃતિચિહ્નો ભેગાં કરવાની પોતાની પરંપરાને વર્તમાન કૅપ્ટન કોહલીને આપવાનો નિર્ણય લીધો હતો. ધોનીએ ભારતે જ્યારે સિરીઝ જીતી એ સમયે ઉપયોગમાં લેવામાં આવેલો બૉલ કોહલીને ભેટ તરીકે આપ્યો હતો. વર્તમાન કૅપ્ટન માટે આ ભાવનાત્મક ક્ષણ સાબિત થઈ હતી.

કોહલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ધોનીએ મને બીજી મૅચનો બૉલ ભેટમાં આપ્યો. હવે સ્ટમ્પ ઘણા મોંઘા થઈ ગયા છે. એથી તેઓ અમને એ ઘરે લઈ જવા દેવાની પરવાનગી નથી આપતા. ધોનીએ મને આ બૉલ આપ્યો અને કહ્યું કે આ એક કૅપ્ટન તરીકે તારી પહેલી સિરીઝ જીત્યાનો બૉલ છે તેમ જ એ યાદગાર છે. આ મારા માટે એક વિશેષ ક્ષણ હતી. મેં એ બૉલ પર ધોનીની સાઇન પણ કરાવી.’

વિરાટને પૂછવામાં આવ્યું કે અત્યારે તને કૅપ્ટન ફિયરલેસ અને કિંગ કોહલી જેવાં ઉપનામો આપવામાં આવી રહ્યાં છે. તો આ પૈકી કયું નામ વધુ પસંદ છે. તો તેણે હસતાં-હસતાં જવાબ આપ્યો કે હું ડ્રેસિંગ રૂમમાં જાતને જોકર કહેવડાવવાનું વધુ પસંદ કરું છું.

ડેથ ઓવરની બોલિંગ સુધારવામાં મદદરૂપ થશે T20 સિરીઝ : કોહલી

ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં T20 મૅચોથી ડેથ ઓવરની બોલિંગ સુધરશે. ટીમ જેટલી T20 મૅચો રમશે એનાથી એને ૫૦ ઓવરની મૅચમાં ડેથ ઓવર દરમ્યાન એનો લાભ થશે. પાંચ મહિના બાદ થનારી ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ટીમ કોઈ વન-ડે મૅચ નથી રમવાની. જોકે વિરાટ કોહલી આ વાતને કારણે ચિંતિત નથી. કોહલીએ કહ્યું હતું કે ક્રિકેટના સૌથી નાના ફૉર્મેટને કારણે વન-ડેમાં જે ખામી રહી ગઈ છે એને સુધારી શકાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઇંગ્લૅન્ડ સામે વન-ડે મૅચ બાદ હવે ત્રણ T20 મૅચોની સિરીઝ રમવાનું છે.