ઍડીલેડ ટેસ્ટમાં ધોની રમશે, પરંતુ ક્લાર્ક વિશે અનિશ્ચિતતા

03 December, 2014 06:13 AM IST  | 

ઍડીલેડ ટેસ્ટમાં ધોની રમશે, પરંતુ ક્લાર્ક વિશે અનિશ્ચિતતા




૯ ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ઍડીલેડ ટેસ્ટ-મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં જોડાય એવી શક્યતા છે. હાથમાં થયેલી ઈજાને કારણે અગાઉ બ્રિસ્બેનમાં રમાનારી પહેલી ટેસ્ટમાં તે રમવાનો નહોતો, પરંતુ ૧૨ ડિસેમ્બરે ઍડીલેડમાં રમાનારી મૅચમાં રમવાનો હતો. જોકે ફિલિપ હ્યુઝના આકસ્મિક મૃત્યુને કારણે ચાર ટેસ્ટ-મૅચોના કાર્યક્રમમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. હવે પહેલી ટેસ્ટ-મૅચ ઍડીલેડમાં રમાશે.

રોહિત અને મુરલી પણ જશે

ટીમ ઇન્ડિયા બીજી પ્રૅક્ટિસ મૅચ ઑસ્ટ્રેલિયા ઇલેવન સાથે રમશે. અગાઉ આ પ્રૅક્ટિસ મૅચ પણ રદ કરવામાં આવી હતી. ધોની આ પ્રૅક્ટિસ મૅચમાં હાજર નહીં હોય એથી આ ટેસ્ટમાં સ્ટૅન્ડ ઇન કૅપ્ટન વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરશે. વિરાટ કોહલી મૅક્સવિલમાં આજે યોજાનારા હ્યુઝના અંતિમ સંસ્કારમાં જશે. તેની સાથે બૅટ્સમૅન રોહિત શર્મા અને મુરલી વિજય ઉપરાંત ટીમ ડિરેક્ટર રવિ શાસ્ત્રી, કોચ ડન્કન ફ્લેચર અને ટીમ-મૅનેજર અર્શદ અયુબ પણ જશે. કોહલી, શર્મા અને વિજય બે દિવસીય મૅચ શરૂ થાય એ પહેલાં આવી જશે.

ખેલાડીઓની હાલત લોકો સમજશે

સમગ્ર ઑસ્ટ્રેલિયન ટીમ આજે બપોરે યોજાનારા ફિલ હ્યુઝના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. તમામ મહત્વની ચૅનલો પર એનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. એમાં હાજરી આપ્યા બાદ ઑસ્ટ્રેલિયન ટીમ ગુરુવારે ઍડીલેડ જવા રવાના થશે ત્યાં ટેસ્ટ-સિરીઝની તૈયારી કરશે.

દરમ્યાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના CEO જેમ્સ સધરલૅન્ડે ગઈ કાલે સિડનીમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જે ખેલાડી બહુ દુ:ખ અનુભવતો હોય અને તેને મૅચમાં કે સિરીઝમાં ન રમવું હોય તો તે પોતાનું નામ પાછું ખેંચી શકે છે. બુધવારે અંતિમ સંસ્કાર થવાના છે. તેઓ કેટલા ખરાબ સમયમાંથી બધા પસાર થઈ રહ્યા છે એ હું સમજું છું. લોકો પણ જાતજાતના તર્કવિતર્ક કરી રહ્યા છે કે કયા-કયા ખેલાડીઓ રમશે. તેઓ કેવો અનુભવ કરી રહ્યા હશે. હું તમામને વિનંતી કરું છું કે ખેલાડીઓને એકાંત આપો. જો કોઈ મૅચ રમવા માટે યોગ્ય સ્થિતિમાં ન હોય તો તેને માટે કોઈને ખરાબ લાગણી થવાની નથી. ટેસ્ટ-ક્રિકેટ એક અલગ પ્રકારની રમત છે. એવું નથી કે ત્યાં ગયા અને માત્ર થોડા કલાક સુધી રમ્યા. એ માટે પાંચ દિવસ સમર્પિત થવાની જરૂર હોય છે. જો કોઈ ખેલાડી ભારે હતાશ હોય અથવા તેને સારું ન લાગતું હોય અથવા તો ડૉક્ટરી સલાહ મુજબ તે સારું ન ફીલ કરતો હોય તો તે ખેલાડી ન રમી શકે તો વાંધો નથી. અમે આ વાત સમજીએ છીએ. મને આશા છે કે લોકો પણ આ પરિસ્થિતિ સમજતા જ હશે.’

માઇકલ ક્લાર્ક રમશે?

ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન માઇકલ ક્લાર્ક પહેલી ટેસ્ટમાં રમશે કે નહીં એ વિશે પણ જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે. અગાઉ બ્રિસ્બેનમાં યોજાનારી પહેલી ટેસ્ટ-મૅચમાં સંભવિત ખેલાડીઓનાં નામમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેની ફિટનેસ-ટેસ્ટને લઈને સિલેક્ટરો સાથે થોડો વિવાદ થયો હતો. નૅશનલ સિલેક્ટર માર્ક વૉએ કહ્યું હતું કે જો ફિટનેસને કારણે ક્લાર્કને ન રમાડવામાં આવત તો તેને બદલે હ્યુઝને ફરીથી ટેસ્ટ-મૅચમાં રમાડવાનો ઇરાદો હતો. જોકે હ્યુઝના આકસ્મિક નિધનને કારણે તમામ વાતો દબાઈ ગઈ હતી એટલું જ નહીં, વિકટ સમયે ક્લાર્ક ઑસ્ટ્રેલિયન ક્રિકેટનો ખરો લીડર સાબિત થયો હતો. જોકે આ બધી દોડધામમાં તેને ફરીથી સુસજ્જ થવાનો સમય મળી શક્યો નથી અને પરિણામે તે પહેલી ટેસ્ટમાં રમશે કે નહીં એ પ્રશ્ન યથાવત્ રહ્યો છે.