02 September, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગરાજ સિંહ
ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એક વાર ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે વિવાદિત નિવેદન આપ્યું છે. એક યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘હું ધોનીને ક્યારેય માફ નહીં કરું. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા દીકરા વિરુદ્ધ જે કર્યું એ હવે બહાર આવી રહ્યું છે, તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાય નહીં.’
યુવી માટે ભારત રત્નની ડિમાન્ડ કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ધોનીએ મારા દીકરાનું જીવન બરબાદ કરી દીધું છે, જે વધુ ચારથી પાંચ વર્ષ રમી શક્યો હોત. હું દરેકને યુવરાજ જેવો દીકરો પેદા કરવાનો પડકાર ફેંકું છું. ગૌતમ ગંભીર અને વીરેન્દર સેહવાગ પણ અગાઉ કહી ચૂક્યા છે કે બીજો યુવરાજ સિંહ નહીં હોય. કૅન્સર સામે લડવા અને દેશ માટે વર્લ્ડ કપ જીતવા બદલ ભારતે તેને ભારત રત્નથી સન્માનિત કરવો જોઈએ.’
૨૦૧૭માં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમનાર યુવરાજ સિંહે જૂન ૨૦૧૯માં નિવૃત્તિ જાહેર કરી હતી. ૬૬ વર્ષના યોગરાજ સિંહ આ અગાઉ પણ ધોની પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે.