22 June, 2025 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મૅચમાં એક દુર્લભ અને રમૂજી ઘટના બની હતી. કોલ્હાપુર ટસ્કર્સના ૧૬૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલા રાયગડ રૉયલ્સના બે ઓપનર્સ બીજી જ ઓવરમાં પિચની અધવચ્ચે અથડાઈને ઇન્જર્ડ થયા હતા. એકબીજાને બદલે બૉલ જોવાના ચક્કરમાં ટકરાયેલા બન્ને બૅટર્સે ત્યાર બાદ ગજબની સ્ફૂર્તિ બતાવીને પોતાની વિકેટ પણ બચાવી લીધી હતી.
બીજો રન દોડતા સમયે અથડાયેલા આ બન્ને બૅટર્સ હરીફ ટીમની ખરાબ ફીલ્ડિંગને કારણે પોતાની જગ્યા પર પાછા ફરવામાં સફળ રહ્યા હતા. ફીલ્ડર પાસેથી પોતાની પાસે આવેલા બૉલને વિકેટ પર મારવાના સ્થાને વિકેટકીપરે નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર બોલરને આપ્યો, પણ બોલર રનઆઉટ કરે એ પહેલાં એક બૅટર ક્રીઝમાં દોડી આવ્યો હતો, જ્યારે સામેની ક્રીઝ પર આવી જ ઘટના બની હતી, પણ રાહુલ ત્રિપાઠીના એ છેલ્લા થ્રોને કારણે બૉલ બાઉન્ડરી પાર જતાં રાયગડ રૉયલ્સને કુલ પાંચ રન મળ્યા હતા. ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટે ટાર્ગેટ ચેઝ કરીને રાયગડની ટીમ ક્વૉલિફાયર-ટૂમાં પહોંચી હતી.