સ્મિથને ફરી કૅપ્ટન બનાવવાની હિલચાલ

21 November, 2021 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિલેક્ટરોએ ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને કરી હતી રજૂઆત, વાઇસ કૅપ્ટન પૅટ કમિન્સ પણ દાવેદાર

તસવીર સૌજન્ય મિડ-ડે

મહિલા સહ-કર્મચારીને અશ્લીલ મેસેજ મોકલવાનો જૂનો વિવાદ બહાર આવ્યા બાદ ઍશિઝ સિરીઝ શરૂ થવાનાં ત્રણ સપ્તાહ પહેલાં જ કૅપ્ટન ટિમ પેઇને રાજીનામું આપી દીધું છે. ઑક્ટોબરમાં જ ઑસ્ટ્રેલિયાને સિલેક્ટરોએ સ્ટીવ સ્મિથને ફરી કૅપ્ટન બનાવવા માટે બોર્ડને છૂપી રીતે જણાવ્યું હતું. ૨૦૧૮ના બૉલ સાથે ચેડાં કરવાના કૌભાંડ પહેલાં સ્મિથ ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન હતો. પરિણામે તેને કૅપ્ટનપદેથી તેમ જ ડેવિડ વૉર્નરને વાઇસ-કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યા હતા. સ્મિથને બદલે વિકેટકીપર-બૅટર પેઇનને ટેસ્ટ, ટી૨૦ અને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હતો. ત્યાર બાદ પેઇનને બદલે ટી૨૦ અને વન-ડે નો કૅપ્ટન ઍરોન ફિન્ચને બનાવાયો હતો. 
ઑસ્ટ્રેલિયાના સિલેક્ટરોએ સ્મિથને ફરીથી કૅપ્ટન બનાવવા માટે બોર્ડનો સંપર્ક કર્યો હતો. ન્યુઝપેપર ‘હેરાલ્ડ સન’ના જણાવ્યા પ્રમાણે પેઇન ઈજાગ્રસ્ત થાય એવા સંજોગમાં સ્મિથને કૅપ્ટન બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે અશ્લીલ મેસેજ પ્રકરણમાં પેઇને રાજીનામું આપી દેતાં હાલમાં ફાસ્ટ બોલર તેમ જ વાઇસ કૅપ્ટન પૅટ કમિન્સને આ જવાબદારી સોંપાય એવી શક્યતા છે. સ્મિથને કદાચ વાઇસ-કૅપ્ટન બનાવાશે. ૧૯૫૬ બાદ પહેલી વખત ઑસ્ટ્રેલિયામાં કોઈ ફાસ્ટ બોલરને ટેસ્ટનો કૅપ્ટન બનાવાશે. અગાઉ રે લિન્ડવૉલે એકમાત્ર ટેસ્ટ માટે આ જવાબદારી સંભાળી હતી. કેપ ટાઉનમાં બૉલ સાથે ચેડાં કરવાના પ્રકરણ બાદ સ્મિથ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ સમયગાળા ઉપરાંત એક વર્ષનો સમય નીકળી ગયો છે. ૮ ડિસેમબરથી ગાબામાં પહેલી મૅચ રમાશે. 

 કૅપ્ટન્સીના પદ માટે ઘણા બધા યોગ્ય ખેલાડીઓ ઉપલબ્ધ છે. સ્ટીવ સ્મિથ પણ એ પૈકીનો એક છે. 
- રિચર્ડ ફ્રુડેનસ્ટીન, ચૅરમૅન ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ

cricket news steve smith