મૉર્ગન પહેલી મૅચ સ્કૉટલૅન્ડમાં આયરલૅન્ડ વતી રમ્યો, નેધરલૅન્ડ્સમાં ઇંગ્લૅન્ડ વતી રમતાં નિવૃત્તિનો નિર્ણય લીધો

29 June, 2022 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે ઝીરોએ ઇંગ્લૅન્ડના ક્રિકેટ-હીરોની કરીઅર પર પડદો પડાવ્યો : બટલર બનશે મૉર્ગનનો અનુગામી

મૉર્ગન પહેલી મૅચ સ્કૉટલૅન્ડમાં આયરલૅન્ડ વતી રમ્યો, નેધરલૅન્ડ્સમાં ઇંગ્લૅન્ડ વતી રમતાં નિવૃત્તિનો નિર્ણય લીધો

આગામી ૧૦ સપ્ટેમ્બરે ૩૬મો જન્મદિન ઊજવનાર ઇંગ્લૅન્ડના લિમિટેડ ઓવર્સની ટીમના કૅપ્ટન ઓઇન મૉર્ગનની ક્રિકેટ-સફર બીજા બધા ક્રિકેટરોથી ભિન્ન રહી હતી. ગઈ કાલે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી એની સાથે ઇંગ્લિશ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો હતો. 
વિકેટકીપર-બૅટર જૉસ બટલર ઇંગ્લૅન્ડની વન-ડે અને ટી૨૦ ટીમનો સુકાની બનવાના દાવેદારોમાં અગ્રેસર છે.
પ્રારંભમાં જ મૅચવિનિંગ ૯૯

મૉર્ગનનો જન્મ ૧૯૮૬માં આયરલૅન્ડના ડબ્લિન શહેરમાં થયો હતો. તે આયરલૅન્ડમાં જ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા પછી ૨૦૦૬માં આયરલૅન્ડ વતી પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. એ વન-ડે મૅચ હતી જે સ્કૉટલૅન્ડમાં રમાઈ હતી. મૉર્ગન પોતાની એ પહેલી જ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં પોતાના ૯૯ રને રનઆઉટ થયો હતો. જોકે આયરલૅન્ડે એ ૯૯ રનની મદદથી યજમાન સ્કૉટલૅન્ડને હરાવ્યું હતું અને મૉર્ગન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
અંતિમ ઇનિંગ્સમાં ઝીરો
મૉર્ગન ૨૦૦૯ની સાલ સુધી આયરલૅન્ડ વતી કુલ ૨૩ વન-ડે રમ્યો હતો અને એ જ વર્ષમાં તેણે ઇંગ્લૅન્ડ વતી રમવાની શરૂઆત કરી હતી. ૧૬ ટેસ્ટમાં ૭૦૦ રન, ૨૪૮ વન-ડેમાં ૭૭૦૧ રન અને ૧૧૫ ટી૨૦માં ૨૪૫૮ રન બનાવનાર મૉર્ગને કહ્યું કે ‘આ મહિને હું નેધરલૅન્ડ્સ ગયો હતો જ્યાં હું ઍમ્સ્ટલવીનમાં નેધરલૅન્ડ્સ સામેની બન્ને વન-ડેમાં ઝીરોમાં આઉટ થયો ત્યારે જ મને વિચાર આવ્યો કે હવે મારે રિટાયર થઈ જવું જોઈએ.’
મૉર્ગને આ વિચાર ઇંગ્લૅન્ડના પુરુષોના ક્રિકેટ-વિભાગના મૅનેજિંગ ડિરેક્ટર રૉબ કી અને કોચ મૅથ્યુ મોટ સમક્ષ વ્યક્ત કર્યો હતો અને પછી પોતાના વિચારને નક્કર સ્વરૂપ આપ્યું હતું. નબળા ફૉર્મ અને ઈજાઓને કારણે નિવૃત્ત થઈ જનાર મૉર્ગનના સુકાનમાં ઇંગ્લૅન્ડ ૨૦૧૯માં પહેલી વાર વન-ડેનો વર્લ્ડ કપ જીત્યું હતું. તેના જ સુકાનમાં ઇંગ્લૅન્ડ વન-ડેમાં તથા ટી૨૦માં નંબર-વન બન્યું હતું. તેણે ૧૬ વર્ષની શાનદાર કરીઅર બદલ પોતાના પરિવારનો, વિશ્વભરમાં રહેલાં સગાંસંબંધીઓનો, સાથી-ક્રિકેટરોનો, કોચનો અને સપોર્ટરોનો આભાર માન્યો છે.

મૉર્ગનની રેકૉર્ડ-બ્રેક કરીઅર
(૧) ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ ૨૨૫ વન-ડે
(૨) ઇંગ્લૅન્ડ વતી વન-ડેમાં સૌથી વધુ ૬૯૫૭ રન
(૩) ઇંગ્લૅન્ડ વતી વન-ડેમાં સૌથી વધુ ૨૦૨ સિક્સર
(૪) ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ ૧૧૫ ટી૨૦ મૅચ
(૫) ઇંગ્લૅન્ડ વતી ટી૨૦માં સૌથી વધુ ૨૪૫૮ રન
(૬) ઇંગ્લૅન્ડ વતી ટી૨૦માં સૌથી વધુ ૧૨૦ સિક્સર

sports news cricket news