પૅરાલિમ્પિક્સનું ગોલ્ડન કપલ

03 September, 2012 05:39 AM IST  | 

પૅરાલિમ્પિક્સનું ગોલ્ડન કપલ

લંડન: સાઇક્લિંગ પ્રત્યેના લગાવને લીધે પ્રેમમાં પડીને પરણનાર બ્રિટનનાં સારાહ અને બાર્ની લંડનમાં ચાલી રહેલી પૅરાલિમ્પિક્સનાં પ્રથમ ગોલ્ડન કપલ બન્યાં હતાં. ૩૮ વર્ષની સારાહ સ્ટોરી ડાબા હાથના કાંડા વગર જન્મી છે અને સ્વિમર પછી હવે સાઇક્લિસ્ટ બની છે. તેનો ૪૫ વર્ષનો પતિ બાર્ની સારોનરસો સાઇક્લિસ્ટ છે અને આંશિક રીતે જોઈ ન શકતા સાઇક્લિસ્ટના પાઇલટ તરીકે તેણે સ્પર્ધામાં ભાગ લીધો છે.

એક જ દિવસે બન્ને જીત્યાં

છઠ્ઠી પૅરાલિમ્પિક્સમાં રમી રહેલી સારાહ સ્ટોરીએ મહિલાઓની સી૪-૫ ૫૦૦ મીટર ટ્રૅક સાઇક્લિંગ ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં શનિવારે બપોરે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે એ જ દિવસે સવારે આંશિક રીતે જોઈ ન શકતા નીલ ફેચીના પાઇલટ તરીકે તેના પતિએ નવો વલ્ર્ડ રેકૉર્ડ સર્જીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સારાહનો આ વર્ષની રમતનો બીજો ગોલ્ડ હતો અને પૅરાલિમ્પિક્સમાં આ નવમો તથા કુલ ૨૦મો ગોલ્ડ મેડલ હતો. સારાહે નવમાંથી શરૂઆતના પાંચ ગોલ્ડ સ્વિમિંગમાં મેળવ્યા હતા, જ્યારે તેના પતિનો પૅરાલિમ્પિક્સમાં ત્રીજો અને ટોટલ સાતમો ગોલ્ડ મેડલ હતો.

૨૦૦૪માં એક કૅમ્પમાં મળ્યાં

૨૦૦૪ એથેન્સ પૅરાલિમ્પિક્સ પહેલાં એક ટ્રેઇનિંગ કૅમ્પમાં સારાહ અને બાર્ની એકમેકને મળ્યાં હતાં અને નજીક આવ્યાં હતાં. સારાહ ત્યારે સ્વિમર હતી અને પછી બાર્ની પાસેથી પ્રેરણા લઈને પોતાની રમત બદલીને સાઇક્લિસ્ટ બની હતી.