મોંગિયા ફિક્સિંગમાં સામેલ હોવાનું ઘણા સાથીપ્લેયરો દૃઢપણે માનતા હતા : જયવંત લેલે

04 November, 2011 02:43 PM IST  | 

મોંગિયા ફિક્સિંગમાં સામેલ હોવાનું ઘણા સાથીપ્લેયરો દૃઢપણે માનતા હતા : જયવંત લેલે



લેલેએ આત્મકથામાં મોંગિયા સામે સીધો આક્ષેપ કરવાનું તો ટાળ્યું છે, પરંતુ તેના વિશે એવું પણ લખ્યું છે કે ‘૧૯૯૪માં વેસ્ટ ઇન્ડીઝ સામેની એક વન-ડે વખતે મને શંકા થઈ હતી કે મોંગિયા કંઈક ખોટું કરી તો રહ્યો જ છે. મોંગિયાએ

ડ્રેસિંગ-રૂમમાંથી એવી માહિતી બહાર પહોંચાડી હતી કે હવે જીતવું શક્ય નથી એટલે તું તારી વિકેટ નહીં ગુમાવતો. ડ્રેસિંગ-રૂમમાં તેને આ માહિતી કોણે આપી એ પોતાને યાદ ન હોવાનું મોંગિયાએ તપાસ દરમ્યાન કહ્યું હતું. જોકે પછીથી તપાસ થઈ હતી અને મોંગિયા તથા મનોજ પ્રભાકરને બે મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.’

જયવંત લેલેએ આત્મકથામાં મોંગિયાના શંકાસ્પદ કૃત્ય વિશે બીજું ઉદાહરણ આપતા લખ્યું છે કે ‘૧૯૯૯ની એક ટેસ્ટમાં સચિન તેન્ડુલકરે વસીમ અકરમ, વકાર યુનુસ અને સક્લેન મુશ્તાકની ખબર લઈ નાખી હતી, પરંતુ મોંગિયાએ માસ્ટર બ્લાસ્ટરની મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું. પાંચ વિકેટે ૮૨ રન હતા ત્યારે મોંગિયા બૅટિંગમાં આવ્યો હતો. સચિને પોતે ક્રીઝ પર છે ત્યાં સુધી હુક જેવા કોઈ રિસ્કી શૉટ નહીં મારવાની મોંગિયાને ખાસ સૂચના આપી હતી, પરંતુ ટાર્ગેટ નજીક આવ્યો ત્યારે મોંગિયાએ વકારના એક બૉલમાં હુક શૉટ ફટકાર્યો હતો અને કૅચ આપી દીધો હતો. ભારત એ મૅચ માત્ર ૬ રનથી હારી ગયું હતું.’

ભારતીય ક્રિકેટમાં કોઈ મૅચ-ફિક્સિંગ નથી થતું, જોકે નક્કર પુરાવાનો પણ અભાવ છે : જયવંત લેલેએ ભારતીય ક્રિકેટમાં મૅચ-ફિક્સિંગ થતું જ નથી અને એની શંકાને લગતા સજ્જડ પુરાવા ક્યારેય મળ્યા જ નથી એવું પણ આત્મકથામાં લખ્યું છે. તેમણે જણાવ્યું છે કે ‘ક્રિકેટ બોર્ડે મોહમ્મદ અઝહરુદ્દીન, અજય જાડેજા અને અજય શર્માના રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની તપાસમાં ત્રણેય વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહોતા મળ્યા. કહેવાય છે કે અઝહરુદ્દીન, અજય જાડેજા, અજય શર્મા, મનોજ પ્રભાકર અને નીખિલ ચોપડાએ કેટલીક મૅચોના આગલા દિવસે તેમ જ એ મૅચોના દિવસે કુલ ૫૦થી ૨૦૦ ફોનકૉલ્સ કર્યા હતા. ભારતીય ક્રિકેટમાં નક્કર પુરાવાવાળા મૅચ-ફિક્સિંગના ઉદાહરણો તો નથી જડતાં, પરંતુ શંકા થઈ શકે એવા અમુક બનાવો જરૂર બન્યા છે. ૨૦૦૦ની એક ટેસ્ટમાં કોચ કપિલ દેવે ન્યુ ઝીલૅન્ડને આપેલું ફૉલો-ઑન પાછું ખેંચી લેવા કૅપ્ટન સચિન તેન્ડુલકર પર દબાણ શા માટે કર્યું હતું એ હજી નથી સમજાતું. મનોજ પ્રભાકરે કપિલ દેવ સામે ફિક્સિંગના આક્ષેપો કર્યા હતા, પરંતુ એ પુરવાર નહોતો કરી શક્યો. ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અલી ઈરાની કૅપ્ટન અઝહરુદ્દીન વતી પૈસા સ્વીકારતા હોવાનો આક્ષેપ અગાઉ થયો હતો.’

દાઉદ ઇબ્રાહિમે દરેક ભારતીય પ્લેયરને ટોયોટા કાર ઑફર કરી હતી : જયવંત લેલેએ આત્મકથામાં ખૂબ અગત્યના કિસ્સાની વાત કરતા જણાવ્યું છે કે ‘૧૯૮૭નો શારજાહ કપ જો ભારત જીતે તો ભારતીય ટીમના દરેક પ્લેયરને તેમ જ ટીમ સાથે નજીકથી સંકળાયેલા દરેક અધિકારીને ટોયોટા કારની ભેટ આપવાની દાઉદ ઇબ્રાહિમે ઑફર કરી હતી. આ ઑફર ખુદ દાઉદે મારી સાથેની વાતચીતમાં કરી હતી. ત્યારે હું દાઉદને ઓળખતો જ નહોતો. ચૅમ્પિયનશિપ દરમ્યાન એક દિવસ કોઈએ દાઉદ સાથે મારી અને ટીમ-મૅનેજર જ્ઞાનેશ્વર અગાશેની મીટિંગ ગોઠવી હતી. શાહજાહના એક મોટા ઉદ્યોગપતિને મળવાનું છે એવું અમને કહેવામાં આવ્યું હતું એટલે અમે તેને મળ્યા હતા. જોકે એ ઑફર પછી ભારતીય ટીમ એ ટુર્નામેન્ટ નહોતી જીતી શકી.

ઇંગ્લૅન્ડ અને ભારત કરતાં ચડિયાતા રન-રેટને કારણે ઑસ્ટ્રેલિયા વિજેતા જાહેર થયું હતું. થોડા સમય પછી અમને ખબર પડી હતી કે અમે શારજાહમાં જે ઉદ્યોગપતિને મળ્યા હતા એ દાઉદ ઇબ્રાહિમ હતો અને ૧૯૯૩ના મુંબઈ પરના ટૅરર-અટૅકમાં તેની મુખ્ય ભૂમિકા હતી.’

લેલે સાવ ખોટા છે : નયન મોંગિયા

નયન મોંગિયાએ પ્રત્યાઘાતમાં કહ્યું છે કે ‘જયવંત લેલેના આક્ષેપો પાયા વગરના છે. તપાસમાં મારી વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા મળ્યા. મેં કંઈ ખોટું કર્યું જ ન હોય તો પુરાવા ક્યાંથી મળે! સચિન-દ્રવિડ સાથે મારા હજીયે સારા સંબંધો છે. તેઓ છેલ્લે વડોદરામાં રમવા આવ્યા હતા ત્યારે મારે ત્યાં આવ્યા હતા’