મોહમ્મદ શમીનો ચોંકાવનારો ખુલાસો: મેં ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કરેલો

04 May, 2020 12:21 PM IST  |  New Delhi | Agencies

મોહમ્મદ શમીનો ચોંકાવનારો ખુલાસો: મેં ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કરેલો

મોહમ્મદ શમી

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં એક ખુલાસો કરીને સૌકોઈને અચંબિત કરી દીધા હતા. શમીએ કહ્યું કે તેણે એક નહીં, પણ ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કર્યો હતો. વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ કપ બાદ પોતાના વ્યક્તિગત જીવનમાં બનેલી ઘટનાઓને લીધે તેને આ પ્રકારનો વિચાર આવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર રોહિત શર્મા સાથે વાત કરતાં શમીએ કહ્યું કે ‘૨૦૧૫ વર્લ્ડ કપમાં હું સખત ઇન્જર્ડ થયો હતો અને એના બાદ ૧૮ મહિને હું ટીમમાં કમબૅક કરી શક્યો હતો. મારા જીવનનો એ સૌથી કપરો સમય હતો. આઇપીએલના ૧૦-૧૨ દિવસ પહેલાં પારિવારિક સમસ્યાઓ જન્મી અને મીડિયામાં પણ મારા વ્યક્તિગત જીવન વિશે છપાવા લાગ્યું. જો મને મારા પરિવાર પાસેથી સપોર્ટ ન મળ્યો હોત તો કદાચ મેં મારું જીવન ટૂંકાવી દીધું હોત. મેં ત્રણ વાર આત્મહત્યાનો વિચાર પણ કરેલો. મારા ઘરમાંથી પણ કોઈને કોઈ મારા પર નજર રાખ્યા કરતું. મારું ઘર ૨૪મા માળે હતું અને મારા પરિવારજનોને ડર હતો કે ક્યાંક હું જમ્પ મારીને આત્મહત્યા તો નહીં કરી લઉં, પણ મારા પરિવારજનો મારી સાથે હતા અને એ જ મારા માટે સૌથી મહત્વનું હતું. તે લોકો મને હંમેશાં કહેતા કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, તું તારી ગેમ પર ધ્યાન આપ. તું જેમાં સારો છે એમાં ધ્યાન આપ અને મેં નેટમાં પ્રૅક્ટિસ કરવાની ચાલુ કરી. હું રનિંગ એક્સરસાઇઝ કરતો હતો, પણ મને એ ખબર નહોતી કે હું આ બધું શા માટે કરું છું. પ્રૅક્ટિસ કર્યા પછી હું માયૂસ થઈ જતો ત્યારે મારો ભાઈ અને કેટલાક દોસ્તારો આવીને મને મારી ગેમ પર ધ્યાન આપવા માટે કહ્યા કરતા. જો તે લોકોનો સપોર્ટ ન હોત તો આજે હું અહીં ન હોત.’

નોંધનીય છે કે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ ભારતીય ટીમની બોલિંગ કમાન સારી રીતે સંભાળી હતી અને વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક લેનારો તે બીજો ભારતીય પ્લેયર બન્યો હતો.

mohammed shami cricket news sports news