2015નો વર્લ્ડ કપ છેલ્લે સુધી ફ્રૅક્ચર થયેલા ઘૂંટણ સાથે રમ્યો હતો: શમી

17 April, 2020 02:15 PM IST  |  New Delhi | Agencies

2015નો વર્લ્ડ કપ છેલ્લે સુધી ફ્રૅક્ચર થયેલા ઘૂંટણ સાથે રમ્યો હતો: શમી

મોહમ્મદ શમી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું છે કે ૨૦૧૫નો આખો વર્લ્ડ કપ હું ફ્રૅક્ચર થયેલા ઘૂંટણ સાથે રમ્યો હતો. આ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડમાં રમાયો હતો. ઇન્સ્ટાગ્રામ પર ઇરફાન પઠાણ સાથે વાત કરતાં શમીએ કહ્યું કે ‘૨૦૧૫ના વર્લ્ડ કપ દરમ્યાન મને પહેલી મૅચમાં જ ઘૂંટણમાં ઇન્જરી થઈ હતી. મૅચ પછી હું ચાલી પણ નહોતો શકતો અને એવામાં હું આખી ટુર્નામેન્ટ રમ્યો હતો. નીતિન પટેલના કૉન્ફિડન્સને કારણે હું આ ટુર્નામેન્ટ રમી શક્યો હતો. મારી થાઇઝ અને ઘૂંટણ લગભગ એકસરખી સાઇઝનાં થઈ ગયાં હતાં અને ડૉક્ટર દરરોજ એમાંથી ફ્લુઇડ કાઢતા હતા. હું દરરોજ ત્રણ પેઇનકિલર લેતો હતો.’

૨૦૧૫ના વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ૭ મૅચમાં ૧૭ વિકેટ લઈને ભારતનો સેકન્ડ હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર બન્યો હતો. ઉમેશ યાદવ એ વખતે ૧૮ વિકેટ સાથે નંબર-વન વિકેટ-ટેકર હતો. એ વખતે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ મોહમ્મદ શમીને રમવા માટે મોટિવેટ કર્યો હતો. ખાસ કરીને સેમી ફાઇનલ મૅચમાં શમીએ નહીં રમી શકાય એવી વાત કહી હતી, પણ ધોનીએ તેના પર ભરોસો રાખીને તેને રમવા માટે મોટિવેટ કર્યો હતો. એ વાતને યાદ કરતાં શમીએ કહ્યું કે ‘મારા ઓપનિંગ સ્પેલમાં મેં ૧૩ રન આપ્યા હતા. પછી હું માહીભાઈને કહેવા ગયો હતો કે હું વધારે રમી શકું એમ નથી, પણ તેમણે પાર્ટ-ટાઇમ બોલર લેવાની ના પાડી દીધી હતી અને તેમણે મને ૬૦થી વધારે રન ન આપવાની વાત કરી હતી. હું આવી પરિસ્થિતિમાં પહેલાં ક્યારેય નહોતો મુકાયો. એ વખતે ઘણા લોકોએ મને કહ્યું હતું કે તારી કરીઅર અહીં પૂરી થઈ ગઈ, પણ હું આજે પણ આગળ વધી રહ્યો છું.’

mohammed shami cricket news sports news world cup