મોહમ્મદ સિરાજ ભારત આવીને સૌથી પહેલાં પિતાની કબર પર ગયો

22 January, 2021 02:54 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મોહમ્મદ સિરાજ ભારત આવીને સૌથી પહેલાં પિતાની કબર પર ગયો

મોહમ્મદ સિરાજ ભારત આવીને સૌથી પહેલાં પિતાની કબર પર ગયો

ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવામાં યુવા બોલર મોહમ્મદ સિરાજનું યોગદાન મહત્ત્વનું હતું. તેણે આ ટેસ્ટ સિરીઝમાં કુલ ૧૩ વિકેટ લીધી હતી. નોંધનીય છે કે સિરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા ટૂર પર હતો ત્યારે તેના પિતા ૨૦ નવેમ્બરે જન્નનશીન થયા હતા. એ સમયે કોરોના પ્રોટોકોલને લીધે સિરાજ ભારત નહોતો આવી શક્યો, પણ ગઈ કાલે જ્યારે મોટા ભાગની ભારતીય ટીમ સ્વદેશ આવી ત્યારે મોહમ્મદ સિરાજ પણ તેમની સાથે સ્વદેશ આવી પહોંચ્યો હતો અને આવીને તે સૌથી પહેલાં તેના સ્વર્ગસ્થ પિતાની કબર પાસે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયો હતો. સિરાજના ભાઈ ઇસ્માઇલે કહ્યું હતું કે ‘અમારા પિતા સિરાજને ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમમાં રમતો જોવા માગતા હતા. ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટ રમીને સિરાજે તેમનું સપનું પૂરુ કર્યું છે.’
બ્રિસ્બેનમાં પોતાની ટેસ્ટ ક્રિકેટ કરીઅરની એક ઇનિંગમાં લીધેલી પાંચ વિકેટ તેણે પોતાના પિતાને સમર્પિત કરી હતી.

રંગભેદની ઘટના બાદ અમ્પાયરે મેદાન છોડવાની સલાહ આપી હતી

ગઈ કાલે મોટા ભાગની ભારતીય ટીમ સ્વદેશ આવી પહોંચી હતી. મોહમ્મદ સિરાજે પણ સ્વદેશ આવીને પહેલાં પોતાના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યાર બાદ પોતાના હૈદરાબાદના ઘરે એકઠી થયેલા મીડિયાને સંબોધી હતી જેમાં તેણે રંગભેદની ઘટના વિશે ઘટસ્ફોટ કરતાં અનેક માહિતી આપી હતી.
સિરાજે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયામાં મેં જે રંગભેદની ઘટના સહી છે એનો કેસ ચાલી રહ્યો છે. એક પ્લેયર તરીકે મારું કામ મારા કૅપ્ટનને એ ઘટનાનો રિપોર્ટ કરવાનું હતું. અમ્પાયરને જ્યારે આ ઘટનાની જાણ કરી ત્યારે તેમણે અમને મેદાન છોડી જવું હોય તો જતા રહેવાનો વિકલ્પ આપ્યો હતો, પણ અજિંક્યભાઈએ એ વાતને રદિયો આપ્યો અને અમે મૅચ ચાલુ રાખી હતી. મેં જે પણ ત્રાસ સહ્યો એને લીધે માનસિક રીતે મજબૂત બનવામાં મને ઘણી મદદ મળી છે.’

cricket news sports news sports