કર્ટની વૉલ્શ સામે રમવામાં થતી હતી મુશ્કેલી, અઝહરનો સ્વીકાર

08 February, 2019 07:16 PM IST  |  | વિકાસ કલાલ

કર્ટની વૉલ્શ સામે રમવામાં થતી હતી મુશ્કેલી, અઝહરનો સ્વીકાર

gujaratimidday.com સાથે ખાસ વાતચીત

પૂર્વ ભારતીય સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીન આજે તેમનો 56મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. મહેન્દ્ર સિંહ ધોની પહેલા કેપ્ટન કૂલ તરીકે જાણીતા મોહમ્મદ અઝરૂદ્દીનને સ્ટાઈલ આઈકોન તરીકે પણ ઓળખવામાં આવે છે. 31 ડિસેમ્બર 1984થી શરૂ થયેલી ક્રિકેટની સફર અઝરૂદ્દીન માટે ઘણા અપ્સ ડાઉન્સ વાળી રહી છે, જો કે આ તમામ મુશ્કેલીઓ વચ્ચે સતત 15 વર્ષ સુધી અઝહર ટીમ ઈન્ડિયામાં રમી ચૂક્યા છે. સ્કૂલ લેવલથી રણજી, દુલીપ ટ્રોફી બાદ અઝહરે ઈંગ્લેન્ડ સામેની સિરીઝથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો.

ક્રિકેટ પીચ છોડ્યા બાદ અઝહરુદ્દીને રાજકારણની પીચ પર પણ ઉતરી ચૂક્યા છે, જો કે આ વિશે વાત કરવાનું અઝહર હંમેશા ટાળે છે.

પોતાના 56મા જન્મદિવસે અઝરુદ્દીને gujaratimidday.com સાથે ખાસ વાતચીત કરી. આ વાતચીત દરમિયાન અઝહરે પોતાની ક્રિકેટ કરિયરની ખાસ વાતો કહે છે, તો સાથે જ ટીમ ઈન્ડિયામાં તેમના ગમતા બેટ્સમેનનો રાઝ ખોલે છે. આ ઉપરાંત પોતાની સ્ટાઈલ્સ વિશે પણ વાત કરી રહ્યા છે અઝરુદ્દીન.

રિષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં હોવો જોઈએ

સો લેટ્સ સ્ટાર્ટ વીથ ક્રિકેટ વીથ અ ક્રિકેટર. ટીમ ઈન્ડિયાના પહેલા કેપ્ટન કૂલ અઝરુદ્દીનને ટીમ ઈન્ડિયા પાસેથી વર્લ્ડકપ જીતવાની ખૂબ જ આશા છે. અઝરુદ્દીનનું માનવું છે કે હાલની ટીમ ઈન્ડિયા બેલેન્સ્ડ છે. બેટિંગ, બોલિંગનું કોમ્બિનેશન પર્ફેક્ટ છે, તો ફિલ્ડિંગ પણ ચાકચોબંધ છે. અઝરુદ્દીનના મતે ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓ પણ છે. તો અઝરુદ્દીનના મતે રિષભ પંત પ્લેઈંગ 11માં સ્થાન ડિઝર્વ કરે છે.

સારી નહોતી રહી શરૂઆત

ઘણા ઓછા લોકો જાણે છે કે અઝરુદ્દીન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે સફળ રહ્યા હોય, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેમને ખાસ્સી મુશ્કેલી પડી હતી. જો કે તે સમયે ટીમ ઈન્ડિયામાં રમવા માટે દુલીપ ટ્રોફીમાં રમવું જરૂરી હતી. આખરે રણજી ટ્રોફીમાં કર્ણાટક સામેની મેચમાં અઝહરે પહેલી મેચમાં સદી અને બીજી મેચમાં અડધી સદી ફટકારી. આ ઈનિંગે તેમને દુલીપ ટ્રોફીમાં સ્થાન અપાવ્યું. પછી તો પાછુ વળીને જોવે તો અઝહર શાના ! રણજી ટ્રોફીથી ફોર્મમાં આવેલા અઝહરે દુલીપ ટ્રોફીમાં પણ બેવડી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી લીધું.

આખરે 31 ડિસેમ્બર, 1984ના રોજ ઈંગ્લેન્ડ સામે અઝરુદ્દીને ડેબ્યુ કર્યો. આ સિરીઝમાં ત્રણ મેચમાં 3 સેન્ચુરી ફટકારી દુનિયાને બતાવી દીધું કે અઝહર હવે મેદાનમાં છે. આ સિરીઝ યાદ કરતા અઝરૂદ્દીન કહે છે કે તે વર્ષ તેમની કારકિર્દીનું યાદગાર વર્ષ હતું.

બોલીવુડ સાથે પણ ખાસ સંબંધ

ક્રિકેટ અને બોલીવૂડનો નાતો જૂનો રહ્યો છે. અઝરુદ્દીનનું નામ પણ બોલીવુડની જુદી જુદી અભિનેત્રીઓ સાથે જોડાતું રહ્યું છે. અઝહર આ વાતને સહજતાથી સ્વીકારે છે. અઝરુદ્દીન પોતાના સમયગાળાને યાદ કરતા કહે છે કે મીડિયામાં કોઈની સાથે નામ જોડાય તો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, આખરે મામલો લાગણીનો હોય છે. એમાંય ઓન ફિલ્ડ કરતા ઓફ ફિલ્ડ વધુ કૂલ રહેવું પડે છે.

ફરવાના શોખીન છે અઝરુદ્દીન

એઝ એ ક્રિકેટર અઝરુદ્દીન ઘણા દેશો ફરી ચૂક્યા છે. અને આ જ તેમનો શોખ પણ છે. અઝરુદ્દીન પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા કહે છે કે મને ફરવું ખૂબ જ ગમે છે. વાંચવું મારા કામની વાત નથી.

વર્લ્ડ કપ હતો બેસ્ટ મોમેન્ટ

અઝરુદ્દીનના કરિયરમાં વર્લ્ડ કપ બેસ્ટ મોમન્ટ છે. અઝહર તેને યાદ કરતા કહે છે કે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ હતી, જેને કારણે પ્રેશર હતું, પણ પહેલી મેચમાં સારા રન બનાવ્યા બાદ માહોલ થોડો હળવો થયો હતો. વિદેશમાં વર્લ્ડ કપને અઝરુદ્દીન બેસ્ટ મોમેન્ટ ગણાવે છે. કારણ કે અઝહરની આ પહેલી વિદેશ યાત્રા હતી.

 લાન્સ ક્રુઝનરને રમવો ગમતો હતો.

તો અઝરુદ્દીનને લાન્સ ક્રુઝનર સામે બેટિંગ કરવી હંમેશા ગમતી હતી. તો વિચિત્ર બોલિંગ સ્ટાઈલ વાળા બોલર્સને અઝહર હંમેશા સામેના બેટ્સમેનને સોંપી દેતા હતા.

ઉલ્લેખનીય કે અઝહરની ક્રિકેટ કરિયર ઉતાર ચડાવવાળી રહી છે. પહેલા ચકાચોંધ કરતી સફળતા અને પછી મેચ ફિક્સિંગના આરોપે તેમની કરિયર લગભગ સમાપ્ત કરી નાખી. જો કે એ પહેલા અઝહર કરોડો ભારતીયોને પોતાના ફેન્સ બનાવી ચૂક્યા હતા. એમ. એસ ધોનીને કેપ્ટન કૂલનો ટેગ મળ્યો એ પહેલા અઝહર ટીમ ઈન્ડિયાના પહેલા કેપ્ટન કૂલ હતા.

રમતા રહો

અત્યારના યુવા બેટ્સમેન જે ભારતીય ટીમમાં રમવાનું સપનું જોઈ રહ્યા છે તેમને સંદેશો આપ્યો હતો કે, 'રમતા રહો, મુશ્કેલીઓ આવશે પરંતુ ધીરજ રાખવી અને જો તમારામાં ટેલેન્ટ અને સ્કિલ હશે તો તમને જરૂર મોકો મળશે.'

mohammad azharuddin