મોઇનનો ઘૂંટણનો દુખાવો મટ્યો ને બોલિંગ સુધરી ગઈ

10 May, 2022 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારના બોલર ઑફ ધ મૅચ માટે ઘૂંટણની ઈજા છૂપા આશીર્વાદ બની અને ચેન્નઈ જીત્યું

મોઇન અલીએ સાત મૅચમાં પાંચ વિકેટ લીધી છે અને તેનો ૬.૮૧નો ઇકૉનૉમી રેટ ચેન્નઈના આ સીઝનના બોલર્સમાં સૌથી સારો છે. બીસીસીઆઇ/આઇપીએલ

રવિવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સને ૯૧ રનના તોતિંગ માર્જિનથી હરાવનાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ટેક્નિકલી તો પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ હજી પણ એને નજીવો આશાવાદ તો છે જ અને એ આશા અપાવવામાં એ દિવસે ન્યુ ઝીલૅન્ડના ઓપનર ડેવોન કૉન્વે (૮૭  રન, ૪૯ બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) ઉપરાંત ખાસ કરીને ઇંગ્લૅન્ડના ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર મોઇન અલી (૪-૦-૧૩-૩)નું પણ મોટું યોગદાન હતું. તે ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યા બાદ તે સારું રમી રહ્યો છે.
મોઇને બાજી ફેરવી નાખી
મિચલ માર્શ અને કૅપ્ટન રિષભ પંત બન્ને સાથે ક્રીઝ પર હતા ત્યારે દિલ્હીને જીતવાનો મોકો હતો, પરંતુ મોઇન અલીએ એક જ સ્પેલમાં ત્રણ વિકેટ (મિચલ માર્શ, રિષભ પંત, રિપલ પટેલ) લીધી એ સાથે બાજી ચેન્નઈના હાથમાં આવી ગઈ હતી અને ચેન્નઈની ૯૧ રનથી જીત થઈ હતી. દિલ્હીનો ઓપનર ડેવિડ વૉર્નર (૧૯ રન, ૧૨ બૉલ, બે સિક્સર, એક ફોર) લાંબી ઇનિંગ્સ ન રમતાં દિલ્હીની હાર મોટા ભાગે ત્યાં જ લખાઈ ગઈ હતી.
કૉન્વે મૅન ઑફ ધ મૅચ
રવિવારે દિલ્હી કૅપિટલ્સ સામે ૮૭ રન બનાવનાર ડેવોન કૉન્વે અને ઋતુરાજ ગાયકવાડ (૪૧ રન, ૩૩ બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે ૧૧૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ટીમના સ્કોરમાં શિવમ દુબે (૩૨ રન, ૧૯ બૉલ, બે સિક્સર, બે ફોર) અને મહેન્દ્ર સિંહ ધોની (અણનમ ૨૧, ૮ બૉલ, બે સિક્સર, એક ફોર)નાં પણ ઉપયોગી યોગદાન હતાં. દિલ્હીના ઍન્રિક નૉર્કિયાએ ૪૨ રનમાં ત્રણ અને ખલીલ અહમદે ૨૮ રનમાં બે વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમમાં મિચલ માર્શના પચીસ રન હાઇએસ્ટ હતા અને આ ટીમ ફક્ત ૧૧૭ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૯૧ રનથી હારી ગઈ હતી. કૉન્વેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
બોલિંગના પરિવર્તનથી ખુશ
મોઇન ઘૂંટણની ઈજાને કારણે આ આઇપીએલમાં શરૂઆતમાં થોડી મૅચ નહોતો રમી શક્યો. આ ઈજા તેના માટે છૂપા આશીર્વાદ બની ગઈ છે. તેણે રવિવારે ચેન્નઈના વિજય બાદ કહ્યું, 
‘મને ઘૂંટણમાં ઈજા થયા બાદ મારે એમાંથી મુક્ત થવાની સાથે બોલિંગ-ઍક્શનમાં થોડો ફેરફાર પણ કરવો પડ્યો હતો. જે થયું એ સારું થયું, કારણ કે મારી બદલાયેલી ઍક્શન અહીંની સૂકી પિચો પર કારગત નીવડી રહી છે. હું જાણું છું કે આ પિચો પર મારી બોલિંગમાં થોડાઘણા રન બનશે, પરંતુ મારી બોલિંગની ઘાતક અસર થશે. મારી બોલિંગમાં જે પરિવર્તન આવ્યું એનાથી હું ખુશ છું.’
 
ચેન્નઈને હજી કેવી રીતે ચાન્સ?

ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લે-ઑફનો નજીવો ચાન્સ છે. આ ટીમ ટેક્નિકલી નૉકઆઉટ રાઉન્ડની બહાર થઈ ગઈ છે, પરંતુ જો એ બાકીની ત્રણેય મૅચ રવિવારની જેમ ઊંચા માર્જિનથી જીતે અને બાકીની ટીમનાં પરિણામો એની (ચેન્નઈની) તરફેણમાં આવે તો જ એને પ્લે-ઑફમાં પહોંચવાની તક મળશે. રવિવારે આ ટીમ કુલ ૮ પૉઇન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગઈ હતી.

કૉન્વેને લગ્ન ફળ્યાં : મોઇન

મોઇન અલીએ ૧૧૦ રનની ભાગીદારી બદલ ડેવોન કૉન્વે ઉપરાંત ઋતુરાજ ગાયકવાડનાં પણ ખૂબ વખાણ કર્યાં હતાં. મોઇને ખાસ કરીને ગયા મહિનાના છેલ્લા દિવસોમાં લગ્ન કરનાર કૉન્વે વિશે કહ્યું કે ‘તેને મૅરેજ ફળ્યાં છે. તે બહુ સારું રમવા માંડ્યો છે. તે ટીમને પુષ્કળ રન અપાવી શકે એવો બૅટર છે. ફૅફ ડુ પ્લેસી આ ટીમમાંથી ગયા પછી (તે હવે બૅન્ગલોરનો કૅપ્ટન બન્યો છે) ચેન્નઈને જેવી જોડીની જરૂર હતી એ કૉન્વે અને ઋતુ (ગાયકવાડ)ના રૂપમાં જોવા મળી રહી છે. કૉન્વે ગ્રેટ પ્લેયર છે.’

 સ્પિનરના બૉલમાં આગળ આવીને બૉલને હિટ કરવાનું મને બહુ ફાવતું નથી, પણ ધોનીએ સ્પિનરો સામે આક્રમકતાથી કેવી રીતે રમવું એની જે સલાહ આપી એનાથી મને ઘણો ફાયદો થયો હતો. હું સતત ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી શક્યો એનો જશ ધોનીને આપું છું. - ડેવોન કૉન્વે

cricket news ipl 2022