ટેસ્ટ-મૅચમાં મિસ્બાહનો હાફ સેન્ચુરીનો નવો વર્લ્ડ રેકૉર્ડ

03 November, 2014 06:13 AM IST  | 

ટેસ્ટ-મૅચમાં મિસ્બાહનો હાફ સેન્ચુરીનો નવો વર્લ્ડ રેકૉર્ડ




૨૦ વર્ષ પછી ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવાની સ્થિતિમાં પાકિસ્તાન આવી ગયું છે. ગઈ કાલે અબુ ધાબીમાં બીજી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનના કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હકે ૫૬ બૉલમાં સદી ફટકારીને વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રિચર્ડ્સે ૧૯૮૬માં બનાવેલા રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. વળી શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ૨૧ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ પણ સ્થાપ્યો હતો. મિસ્બાહની સેન્ચુરી બાદ પાકિસ્તાને ૩ વિકેટે ૨૯૩ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો અને ઑસ્ટ્રેલિયાને જીતવા માટે ૬૦૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે મૅચનો ચોથો દિવસ પૂરો થયો ત્યારે ઑસ્ટ્રેલિયા ૧૪૩ રનમાં ૪ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. આજે કાંગારૂઓએ ૪૬૦ રન કરવાના છે જે લગભગ અશક્ય છે.

સેકન્ડ ઇનિંગ્સમાં પણ પાકિસ્તાની સ્પિનર ઝુલ્ફિકાર બાબરે ૬૫ રન આપીને ત્રણ વિકેટ ખેરવી લીધી હતી. વન-ડેમાં ધીમી બૅટિંગ માટે ટીકાનો ભોગ બનનારા મિસ્બાહ-ઉલ-હકે પોતાની સદી ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૫૬ બૉલમાં પૂરી કરી હતી. જોકે તેની આ ધમાકેદાર સદીને કારણે અઝહર અલીના નૉટ-આઉટ ૧૦૦ રન સાવ ભુલાઈ ગયા હતા. ટેસ્ટ-મૅચમાં કોઈ બે બૅટ્સમેનોએ બે ઇનિંગ્સમાં સદી ફટકારી હોય એવો આ બીજો બનાવ હતો. અગાઉ ઑસ્ટ્રેલિયાના બે ભાઈઓ ઇયાન તથા ગ્રેગ ચૅપલે ૧૯૭૩માં ન્યુ ઝીલૅન્ડ વિરુદ્ધ આ પરાક્રમ કર્યું હતું.

મિસ્બાહ સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારવાના સાઉથ આફ્રિકાના જૅક કૅલિસના રેકૉર્ડને પણ તોડ્યો હતો. વળી સૌથી ઓછા સમયમાં સદી ફટકારી હોય એવો આ બીજો બનાવ હતો. અગાઉ આ રેકૉર્ડ ૭૦ મિનિટનો હતો, પણ મિસ્બાહે ૭૪ મિનિટમાં સદી ફટકારી હતી.

નવો વર્લ્ડ રેકૉર્ડ

પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે પોતાની બન્ને ઇનિંગ્સમાં દાવ ડિક્લેર કર્યો હોય એવો સાતમો બનાવ

૨૧ બૉલમાં ૫૦ રન ફટકારીને સૌથી ઝડપી હાફ સેન્ચુરી કર્યાનો નવો વર્લ્ડ રેકૉર્ડ

બે મૅચની સિરીઝમાં ૪૬૮ રન કરનાર યુનુસ ખાન પહેલો પાકિસ્તાની બૅટ્સમૅન

૧૦૦ કરતાં ઓછા રનમાં પાંચ વિકેટ ગુમાવી હોય તેવો ઑસ્ટ્રેલિયા માટે બીજો બનાવ