મિડ-ડે કપ : ચારમાંથી બે મૅચ વન-સાઇડેડ

27 December, 2011 03:38 AM IST  | 

મિડ-ડે કપ : ચારમાંથી બે મૅચ વન-સાઇડેડ

 

 

(વધુ તસ્વીરો જુઓ નીચે)

 

મિડ-ડે કપની પાંચમી સીઝનમાં ગઈ કાલના બીજા દિવસે ચારમાંથી બે મૅચ વન-સાઇડેડ થઈ હતી, જ્યારે બીજી બેમાં થોડી રસાકસી જોવા મળી હતી.

મૅચ ૧

રોહિદાસ વંશી વઢિયારાએ બૅટિંગ લઈને ૪ વિકેટે ૧૨૪ રન બનાવ્યા હતા. ઓપનરો પ્રકાશ ગોહિલ અને પ્રશાંત ગોહિલે પોતાની ટીમને બહુ સારું સ્ટાર્ટ અપાવ્યું હતું. છેક સાતમી ઓવરમાં ૮૨ રને પ્રથમ વિકેટ પડી હતી. આ ટીમે હરીફોને ૧૨૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રોહિદાસ વંશી સોરઠિયાએ જવાબમાં સાધારણ પ્રારંભ કયોર્ હતો. પ્રથમ વિકેટ ૫૪ રને અને બીજી વિકેટ ૮૮ રને પડી હતી. જોકે ત્યાર પછી ત્રણ જ ઓવર બાકી હતી જેમાં આ ટીમે બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને છેલ્લે ટોટલ પાંચ વિકેટે ૧૦૫ રન રહેતાં એની ૧૯ રનથી હાર થઈ હતી.

મૅચ ૨

મેઘવાળે ૬ વિકેટે ૧૩૩ રન કર્યા હતા જેમાં મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન ચેતન પરમારે ૧૮ બૉલમાં બનાવેલા ૪૦ રન આ ટીમમાં હાઇએસ્ટ હતા. તેની આ ઇનિંગ્સને લીધે મેઘવાળની ટીમ ૧૦૦નો આંકડો પાર કરી શકી હતી. મેરના બોલરોમાં નાથા ભોગેસરાની બોલિંગ-ઍનૅલિસિસ બેસ્ટ હતી. તેણે બે ઓવરમાં ૧૦ રનના ખર્ચે ૩ વિકેટ લીધી હતી.

મેરની ટીમ મેઘવાળને શરૂઆતથી જ ફાઇટ નહોતી આપી શકી. એકેય બૅટ્સમૅન ડબલ ફિગરમાં નહોતો પહોંચી શક્યો. બે પ્લેયરો ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. આ ટીમ ૯.૩ ઓવરમાં ૨૧ એક્સ્ટ્રા સહિત માત્ર ૫૩ રનમાં ઑલઆઉટ થઈ જતાં મેઘવાળે ૮૦ રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવ્યો હતો.

મૅચ ૩

૨૦૧૦ની ચૅમ્પિયન ત્રંબક પારેખ ઍન્ડ અસોસિએટ્સ-કપોળે ગઈ કાલે આ વખતની પોતાની પ્રથમ મૅચમાં ધમાકેદાર શરૂઆત કરી હતી અને ૧૦ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર ૧૭૧ રનનું તોતિંગ ટોટલ ઊભું કર્યું હતું. મિડ-ડે કપમાં મોટી ઇનિંગ્સો રમવા માટે જાણીતા ઓપનર જય મહેતાએ માત્ર ૩૦ બૉલમાં પાંચ સિક્સર અને અગિયાર ફોર સાથે ૮૫ રન બનાવીને હરીફ ટીમ પર જડબેસલાક ધાક જમાવી હતી.

મિડ-ડે કપમાં પહેલી જ વાર રમતી વૈંશ સુથાર નામની ટીમે જવાબમાં શરૂઆતની ઓવરથી જ માઇનસના ટોટલનો હિસાબ રાખ્યો હતો અને એક પછી એક આંચકો લાગવાને કારણે આ ટીમ છેક સુધી બેઠી નહોતી થઈ શકી. પાંચ બૅટ્સમેનો ખાતું નહોતા ખોલાવી શક્યા. ૧૦મી ઓવરને અંતે ટોટલ ૭ રન હતું અને વૈંશ સુથારની ૧૬૪ રનથી હાર થઈ હતી.

મૅચ ૪

મિડ-ડે કપની નવી ટીમ છારિયા ઉનેવાળ બ્રાહ્મણે બૅટિંગ આપતાં રાજપૂત ક્ષત્રિયએ ૮ વિકેટે ૧૩૨ રન બનાવ્યા હતા. જોકે એમાં મિસ્ટર એક્સ્ટ્રાનો પણ મોટો ફાળો હતો. છારિયા ઉનેવાળ બ્રાહ્મણના બોલરો અને ફીલ્ડરોની કચાશને કારણે જો ૪૦ એક્સ્ટ્રા રન ન મળ્યો હોત તો રાજપૂત ક્ષત્રિયનું ટોટલ ૧૦૦નો આંકડો કદાચ પાર ન કરી શક્યું હોત અને છારિયા ઉનેવાળ બ્રાહ્મણને જીતવાનો મોકો મળ્યો હોત. રોહિત સોઢાએ ૨૭ રન બનાવીને રાજપૂત ક્ષત્રિયને ૧૩૨નું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું.

જોકે એક્સ્ટ્રાની અને ખાસ કરીને વાઇડના રનની બોલબાલા હતી એટલે છારિયા ઉનેવાળ બ્રાહ્મણને પણ વધારાના ૪૪ રનનો ફાયદો થયો હતો, પરંતુ ૧૦મી ઓવરને અંતે એનું ટોટલ પાંચ વિકેટે ૯૮ હતું અને એની ૩૪ રનથી હાર થઈ હતી. અગાઉ રાજપૂત ક્ષત્રિયની ત્રણેય વિકેટો ક્લીન બોલ્ડમાં લીધા પછી અણનમ ૨૯ રન બનાવનાર કૅપ્ટન રસેશ જાનીનો જબરદસ્ત ઑલરાઉન્ડ પફોર્મન્સ એળે ગયો હતો..

વાઇડની ભરમાર

મિડ-ડે કપમાં ગઈ કાલના બીજા દિવસે ઘણી ઇનિંગ્સોમાં વાઇડ બૉલની ભરમાર જોવા મળી હતી. મેઘવાળની ટીમને મેરના બોલરોની મહેરબાનીથી વાઇડમાં ૨૮ રન મળ્યા હતા. ત્રંબક પારેખ ઍન્ડ અસોસિએટ્સ-કપોળને વૈંશ સુથાર સામેની ઇનિંગ્સમાં એક્સ્ટ્રામાં મળેલા ૨૧માંથી ૨૦ રન વાઇડના હતા. છેલ્લી મૅચમાં તો હદ થઈ ગઈ હતી. છારિયા ઉનેવાળ બ્રાહ્મણ સામે રાજપૂત ક્ષત્રિયને વાઇડમાં ૨૯ રન મળ્યા હતા, જ્યારે પછીથી ખુદ રાજપૂત ક્ષત્રિયના બોલરોએ વાઇડમાં ૩૬ રન આપ્યા હતા.

રાજપૂત ક્ષત્રિયના બોલર ગિરિરાજ ઝાલાની ઓવરોમાં વાઇડમાં ફોર ગઈ હોય એવું ત્રણ વખત બન્યું હતું.

રાજપૂત ક્ષત્રિયના પ્રતાપ જાડેજાએ છારિયા ઉનેવાળ બ્રાહ્મણના બોલર સ્નેહલ ભટ્ટની એક ઓવરમાં ચાર બૉલમાં ચાર ફોર ફટકારી હતી. એમાં તેણે ત્રીજી ફોર મારી ત્યારે એ ફોરના તેની ટીમને મિડ-ડેના હટકે રૂલ્સ મુજબ ચારને બદલે ૧૦ રન મળ્યા હતા.

ત્રંબક પારેખ ઍન્ડ અસોસિએટ્સ-કપોળ સામે વૈંશ સુથારનો સ્કોર એક તબક્કે ૩ ઓવરમાં ૩ વિકેટે ૩ રન અને પછીથી પાંચ ઓવરમાં પાંચ વિકેટે પાંચ રન હતો.

ત્રંબક પારેખ ઍન્ડ અસોસિએટ્સ-કપોળના સિધાંશુ પારેખની પ્રથમ ઓવર વિકેટ-મેઇડન નીવડી હતી. આ જ ટીમના બર્થ-ડે બૉય રોનક શાહ એક સમયે હૅટ-ટ્રિક પર હતો, પરંતુ એ ન મળતાં તેણે બે વિકેટથી સંતોષ માની લેવો પડ્યો હતો. મિડ-ડે કપમાં પહેલી વાર રમેલો આ ટીમનો લેફ્ટ-આર્મ સ્પિનર દર્શન મોદી પણ હૅટ-ટ્રિકથી વંચિત રહ્યો હતો, પરંતુ પાવર ઓવરની એ બે વિકેટ પછી તેણે ત્રીજી વિકેટ પણ લીધી હતી.

સ્કોર-ર્બોડ

મૅચ ૧


રોહિદાસ વંશી વઢિયારા – C૪
૧૦ ઓવરમાં ૧૨૪/૪ (પ્રશાંત ગોહિલ ૨૨ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૫, પ્રકાશ ગોહિલ ૨૩ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૩૩)
v/s
રોહિદાસ વંશી સોરઠિયા – C૧

૧૦ ઓવરમાં ૧૦૫/૫ (સની રાઠોડ ૧૪ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૦, ગિરધર કટારિયા ૧૪ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૦)

મૅચ ૨

મેઘવાળ – C૨
૧૦ ઓવરમાં ૧૩૩/૬ (ચેતન પરમાર ૧૮ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૦, નરસી મારુ ૧૧ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૦, નાથા ભોગેસરા ૨-૦-૧૦-૩, ભાયા ભોગેસરા ૨-૦-૨૧-૨)
v/s
મેર – C૩

૯.૩ ઓવરમાં ૫૩/૧૦ (હિતેશ વાઘ ૨-૦-૩-૩, રમેશ સરવૈયા
૨-૦-૯-૨)

મૅચ ૩

કપોળ - D૧
૧૦ ઓવરમાં ૧૭૧/૫ (જય મહેતા ૩૦ બૉલમાં પાંચ સિક્સર અને ૧૧ ફોર સાથે ૮૫)
v/s
વૈંશ સુથાર - D૪

૧૦ ઓવરમાં ૭/૧૦ (દર્શન મોદી ૧.૧-૦-૧-૩, રોનક શાહ ૧-૦-૩-૨)

મૅચ ૪

રાજપૂત ક્ષત્રિય - D૩

૧૦ ઓવરમાં ૧૩૨/૮ (રોહિત સોઢા ૧૪ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૨૭, રસેશ જાની
૨-૦-૬-૩)
v/s
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ - D૨

૧૦ ઓવરમાં ૯૮/૫ (રસેશ જાની ૨૪ બૉલમાં ૧ સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૯ નૉટઆઉટ, જિતેન્દ્ર રાઠોડ ૨-૦-૧૧-૨)