ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા પર ભડક્યા માઇકલ હોલ્ડિંગ

12 September, 2020 11:52 AM IST  |  Manchester | IANS

ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા પર ભડક્યા માઇકલ હોલ્ડિંગ

માઇકલ હોલ્ડિંગ

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે તાજેતરમાં બ્લૅક લાઇવ્સ મૅટર ચળવળને હાલમાં ચાલી રહેલી સિરીઝ દરમ્યાન યોગ્ય પ્રતિસાદ ન આપવા બદલ ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. માઇકલ હોલ્ડિંગે કહ્યું કે ‘વેસ્ટ ઇન્ડીઝની ટીમ પોતાના ઘરે જતી રહી છે એનો અર્થ એ નથી કે તમે તમારા મેસેજને ભૂલીને જેવા હતા એવા પાછા બની જાઓ. યુનાઇટેડ સ્ટેટ્સમાં જાતિવાદનો મુદ્દો ઘણો તીવ્ર છે અને લોકો એકબીજા સાથે વાત કરીને મેસેજ પણ એકબીજાને પહોંચાડતા રહે છે માટે હવે સમય છે કે લોકો ઊઠે અને સમાનતા માટે આગળ આવે. આ હવે બ્લૅક અને વાઇટ વચ્ચેનો મુદ્દો નથી, ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાને પણ આ વિશે કંઈ કર્યું નથી. મને લાગે છે કે ઈસીબી પણ એક નબળા સ્ટેટમેન્ટ સાથે આગળ આવી હતી.’
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે બ્લૅક લાઇવ્સ મૅટરને ટેકો આપવા એનો લૉગો શર્ટ પર લગાવ્યો હતો, પણ પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાની સિરીઝ દરમ્યાન તેમણે આવું નહોતું કર્યું. વળી ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ઍરોન ફિન્ચે કહ્યું હતું કે પ્રોટેસ્ટ કરવા કરતાં લોકોને એજયુકેશન આપવું વધારે મહત્ત્વનું છે. માઇકલ હોલ્ડિંગ ઍરોન ફિન્ચ પર પણ ભડક્યા હતા.
નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની પ્લેયર સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં કહ્યું કે કોરોનાની અસર મહિલા ક્રિકેટ પર પુરુષ ક્રિકેટ કરતાં ઓછી થઈ છે એવામાં આ કોરોનાના સમયમાં ક્રિકેટથી આગળ જીવન હોવાનો અનુભવ જેમિમાહ રૉડ્રિક્સને થયો છે. જેમિમાહે કહ્યું કે ‘વિમેન્સ વર્લ્ડ કપ બાદ પાછું કમબૅક કરવું સરળ નથી. લગભગ દોઢ મહિનાથી અમે ઑસ્ટ્રેલિયામાં હતાં અને છેલ્લે આવીને જ્યારે ફાઇનલ હારી ગયાં ત્યારે માનસિક રીતે અને ઇમોશનલી ઘણાં તૂટી ગયાં હતાં. રિકવર થવા માટે તમને થોડો સમય લાગે છે અને મારા ખ્યાલથી આ લૉકડાઉને અમને એ સદમામાંથી ઊભરવામાં મદદ કરી હતી. અમને જે લાંબો બ્રેક મળ્યો એમાં અમે પોતાને વધારે સારી રીતે તૈયાર કરી શક્યાં. હવે ક્રિકેટના મેદાન પર આવવા આતુર છીએ. મને લાગે છે કે અમારા પર કોઈના આશીર્વાદ છે, કારણ કે અમે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ સારું રમી રહ્યાં છીએ છતાં આ લાંબા બ્રેકમાં હું મારી જાત સાથે, મારા પરિવાર સાથે વધારે સમય પસાર કરી શકી. મને અનુભવ થયો કે ક્રિકેટથી પણ આગળ જીવન છે. ક્રિકેટ એક સારી રમત છે અને મને એ રમવાનું ગમે છે. હું એમાં મારું સંપૂર્ણ યોગદાન આપું છું, પણ ક્રિકેટ મારા જીવનનો એક હિસ્સો છે. ક્રિકેટની બહાર પણ એક અલગ દુનિયા છે જેમાં મારા પરિવાર, મારા મિત્રો મારા માટે એટલા જ જરૂરી છે જેટલું જરૂરી ક્રિકેટ છે. આ લૉકડાઉનમાં મેં ઘણા લોકોને પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે સ્ટ્રગલ કરતા જોયા છે. હું નસીબદાર છું કે મારી પાસે મારું ઘર અને મારો પરિવાર છે જે મારી સંભાળ લે છે.’

cricket news sports news