ક્લાર્ક બની ગયો બ્રૅડમૅન અને પૉન્ટિંગ પછીનો બેસ્ટ બૅટ્સમૅન

13 November, 2012 06:13 AM IST  | 

ક્લાર્ક બની ગયો બ્રૅડમૅન અને પૉન્ટિંગ પછીનો બેસ્ટ બૅટ્સમૅન



બ્રિસ્બેન: ત્રણ મૅચવાળી ટેસ્ટસિરીઝની પ્રથમ મૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૩૦)માં ગઈ કાલે ચોથા દિવસે ફસ્ર્ટ ઇનિંગ્સમાં કૅપ્ટન માઇકલ ક્લાર્ક (૨૧૮ નૉટઆઉટ, ૩૫૦ બૉલ, ૨૧ ફોર) અને માઇક હસી (૮૬ નૉટઆઉટ, ૧૦૯ બૉલ, ૧૨ ફોર)એ ઑસ્ટ્રેલિયાને સલામત સ્થિતિમાં મૂકી દીધું હતું.

સાઉથ આફ્રિકાના ૪૫૦ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાના ગઈ કાલની રમતને અંતે ચાર વિકેટે ૪૮૭ રન હતા અને એ સાથે કાંગારૂઓ હરીફોથી ૩૭ રન આગળ હતા.

ક્લાર્ક ગઈ કાલે એક કૅલેન્ડર વર્ષમાં ત્રીજી વખત ૨૦૦ પ્લસ રન બનાવીને ડૉન બ્રૅડમૅન તથા રિકી પૉન્ટિંગ પછીનો વિશ્વનો ત્રીજો પ્લેયર બન્યો હતો. ક્લાર્કે જાન્યુઆરીમાં સિડનીમાં ભારત સામે અણનમ ૩૨૯ રન અને પછી ઍડીલેડમાં ૨૧૦ રન બનાવ્યા હતા. બ્રૅડમૅને વર્ષમાં ત્રણ વખત ૨૦૦ પ્લસ રન ૧૯૩૦ની સાલમાં અને પૉન્ટિંગે ૨૦૦૩માં બનાવ્યા હતા.

ડ્રૉમાં સરકી રહેલી મૅચમાં ક્લાર્કે ગઈ કાલે બીજી કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી. તે બ્રિસ્બેનના ગૅબાનો પાંચમો ડબલ સેન્ચુરિયન છે. પાંચમાંથી ચાર પ્લેયરો ઑસ્ટ્રેલિયાના છે. ગૅબામાં છેલ્લે ડબલ સેન્ચુરી ગ્રેગ ચૅપલે ૧૯૮૧માં ફટકારી હતી.

બ્રૅડમૅન પછીના બીજા ક્રમે ક્લાર્ક

કૅલેન્ડર વર્ષમાં ૮૦૦ કે વધુ રન બનાવનાર કૅપ્ટનોમાં ક્લાર્કની ૧૧૧.૧૧ની બૅટિંગઍવરેજ બ્રૅડમૅનની ૧૧૩.૮૮ની સરેરાશ પછી બીજા સ્થાને છે. બ્રૅડમૅને આ ઍવરેજ ૧૯૪૮ના વર્ષમાં નોંધાવી હતી. ૨૦૧૨ના વર્ષમાં ક્લાર્કના ગઈ કાલે ૧૦૦૦ રન હતા જે બધા પ્લેયરોમાં હાઇએસ્ટ છે. હાશિમ અમલા ૭૯૧ રન સાથે બીજા નંબરે છે.

એકમાત્ર વિકેટ મળી રનઆઉટમાં

રવિવારની ત્રીજા દિવસની રમતને અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે ૧૧૧ રન હતો. ગઈ કાલે કાંગારૂઓએ ફક્ત ઓપનર એડ કોવનની વિકેટ ગુમાવી હતી અને એ વિકેટ ડેલ સ્ટેને કરેલા રનઆઉટમાં પડી હતી. એ વિકેટ સાથે કોવન-ક્લાર્ક વચ્ચેની ચોથી વિકેટ માટેની ૨૫૯ રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. ત્યાર પછી ક્લાર્ક-હસી વચ્ચે પાંચમી વિકેટ માટે ૨૨૮ રનની પાર્ટનરશિપ થઈ હતી.

અમલાએ સાડાચાર વર્ષે બોલિંગ કરી


ટેસ્ટના વર્લ્ડ નંબર ટૂ બૅટ્સમૅન હાશિમ અમલાએ ગઈ કાલે સાડાચાર વર્ષે ફરી ઇન્ટરનૅશનલ મૅચમાં બોલિંગ કરી હતી. તે મૂળ પેસબોલર છે, પરંતુ ગઈ કાલે તેણે ઑફ સ્પિનથી ઑસ્ટ્રેલિયનોને કન્ટ્રોલમાં રાખ્યા હતા. તેની બે ઓવરમાં ૯ રન બન્યા હતા.