MI ન્યુ યૉર્ક અને વૉશિંગ્ટન ફ્રીડમની સતત ચોથી વખત પ્લેઑફમાં એન્ટ્રી

15 July, 2026 10:52 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૧૭ જુલાઈએ ચૅલેન્જર મૅચમાં પહેલી ક્વૉલિફાયર મૅચમાં હારનાર અને એલિમિનેટર મૅચની વિજેતા ટીમ વચ્ચે ટક્કર થશે

(ડાબેથી) સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સનો કૅપ્ટન મૅથ્યુ શૉર્ટ, લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સનો કૅપ્ટન જેસન હોલ્ડર, MI ન્યુ યૉર્કનો કૅપ્ટન નિકોલસ પૂરન અને વૉશિંગ્ટન ફ્રીડમનો કૅપ્ટન સ્ટીવ સ્મિથ.

અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) 2026ની ટૉપ-ફોર ટીમો નક્કી થઈ ગઈ છે. ૧૬ જુલાઈએ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ અને લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ ક્વૉલિફાયર મૅચ રમશે. એ જ દિવસે એલિમિનેટરમાં વૉશિંગ્ટન ફ્રીડમ અને MI ન્યુ યૉર્કની ટક્કર થશે. 

૧૭ જુલાઈએ ચૅલેન્જર મૅચમાં પહેલી ક્વૉલિફાયર મૅચમાં હારનાર અને એલિમિનેટર મૅચની વિજેતા ટીમ વચ્ચે ટક્કર થશે. ૧૯ જુલાઈએ ફાઇનલ મૅચ રમાશે જેમાં ક્વૉલિફાયર અને ચૅલેન્જર મૅચ જીતનાર ટીમો વચ્ચે રસાકસી જોવા મળશે. 

માર્કસ સ્ટૉઇનિસની સીએટલ ઓર્કાસ ૧૦ મૅચમાં ૮ પૉઇન્ટ અને ફાફ ડુ પ્લૅસીની ટેક્સસ સુપર કિંગ્સ ૧૦ મૅચમાં ૬ પૉઇન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

મૅથ્યુ શૉર્ટની ટીમ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ ૧૦ મૅચમાં ૧૨ પૉઇન્ટ, જેસન હોલ્ડરની લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ ૧૦ મૅચમાં ૧૨ પૉઇન્ટ, સ્ટીવ સ્મિથની વૉશિંગ્ટન ફ્રીડમ ૧૦ મૅચમાં ૧૨ પૉઇન્ટ અને નિકોલસ પૂરનની MI ન્યુ યૉર્ક ૧૦ મૅચમાં ૧૦ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં પહોંચવામાં સફળ રહી છે. 

બે વખતની ચૅમ્પિયન ટીમ MI ન્યુ યૉર્ક અને ૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ વૉશિંગ્ટન ફ્રીડમ સતત ચોથી વખત પ્લેઑફમાં પહોંચી છે. ટેક્સસ સુપર કિંગ્સને પહેલી વખત પ્લેઑફમાં એન્ટ્રી નથી મળી. લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ પહેલી વખત પ્લેઑફમાં રમશે, જ્યારે સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ સતત ત્રીજી વખત પ્લેઑફમાં રમશે. 

sports news sports united states of america washington cricket news new york los angeles