મેસીના મૅજિકે અપાવી આર્જેન્ટિનાને જીત

17 June, 2014 06:49 AM IST  | 

મેસીના મૅજિકે અપાવી આર્જેન્ટિનાને જીત



રિયો ડી જાનેરો: ૧૯૭૮ અને ૧૯૮૬ની ચૅમ્પિયન ટીમ આજેર્ન્ટિનાએ ગઈ કાલે વર્લ્ડ કપમાં પહેલી વાર રમી રહેલા બોસ્નિયાને ૨-૧થી હરાવ્યું હતું. ટીમની આ જીતનો હીરો હતો કૅપ્ટન અને સ્ટાર ખેલાડી લાયનલ મેસી.

ત્રીજી જ મિનિટમાં બોસ્નિયાના સઈદ કૉલાસિનાકના સેલ્ફ-ગોલની મદદથી આર્જેન્ટિનાને લીડ મળી ગઈ હતી. ત્યાર બાદ ૬૫મી મિનિટમાં મેસીએ બોસ્નિયાના ડિફેન્ડરોને ચકમો આપીને અફલાતૂન ગોલ ફટકારીને ટીમને ૨-૦થી લીડ અપાવી હતી અને સ્ટેડિયમમાં ખીચોખચ ભરેલા આર્જેન્ટિનાના ચાહકોને ઝૂમતા કરી દીધા હતા. ચાર વાર વર્લ્ડ પ્લેયર ઑફ ધ યર રહી ચૂકેલા મેસીનો વર્લ્ડ કપમાં માત્ર બીજો જ ગોલ હતો. છેલ્લી મિનિટોમાં બોસ્નિયાની ટીમે આક્રમણ વધારી દીધું હતું. એને ૮૫મી મિનિટમાં ગોલ કરવાની સફળતા મળી હતી. આર્જેન્ટિનાએ આખરે મૅચ ૨-૧થી જીતી લીધી હતી. મેસીના અફલાતૂન ગોલે ટીમના બોસ્નિયા જેવી નવી ટીમ સામેના નબળા પર્ફોર્મન્સને ભુલાવી દીધો હતો. આર્જેન્ટિના હવે શનિવારે ઈરાન સામે રમશે.