બૉક્સર મૅરી કૉમના સમારંભમાં પોલીસ બન્યો શૂટર

29 August, 2012 06:32 AM IST  | 

બૉક્સર મૅરી કૉમના સમારંભમાં પોલીસ બન્યો શૂટર

ઇમ્ફાલ: ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી લાવેલી બૉક્સર એમ. સી. મૅરી કૉમ રવિવારે મણિપુર રાજ્યમાં તેના જન્મસ્થળ નજીકના ચુરાચંદપુર નામના શહેરમાં લંડનથી પાછા આવ્યા બાદ પહેલી વાર આવી ત્યારે તેના માનમાં યોજવામાં આવેલા સ્વાગત સમારંભમાં એક પોલીસ અધિકારીના હાથે અકસ્માતે છૂટેલી ગોળીમાં ૬૪ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

સમારંભમાં મૅરી કૉમને જોવા સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા અને એ દરમ્યાન થયેલી ધક્કામુક્કીમાં પોલીસ ઑફિસરથી અકસ્માતે ગોળી છૂટી હતી જેમાં આ વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઝખ્મી વૃદ્ધને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાર બાદ થોડી જ વારમાં સમારંભમાં સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા.

મૅરી કૉમ આજે બાંદરામાં

આજે નૅશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સવારે ૧૧.૩૦ વાગ્યે બાંદરા (વેસ્ટ)માં ઍમ્ફી થિયેટરથી બાંદરા ફોર્ટ સુધી એક રેલી યોજાશે જેમાં જાહેર જનતાને મૅરી કૉમ સાથે એક અભિયાન દરમ્યાન ચાલવાનો મોકો મળશે. મુંબઈ સહિત દેશભરમાં મેદાનોની જે તંગી છે અને બાળકોના વિકાસ માટે અવરોધરૂપ બનતી આ તંગી સામે લોકોને અને સત્તાધીશોને જગાવવા મૅરી કૉમે ઝુંબેશ હાથ ધરી છે જેમાં તેણે ખાસ કરીને મહિલાઓ અને તેમના બાળકોને જોડાવાનો અનુરોધ કર્યો છે.