મેન્ટલ કન્ડિશનિંગ કોચ સતત ટીમ સાથે હોવો જરૂરી છે : ધોની

08 May, 2020 02:13 PM IST  |  Mumbai Desk | Agencies

મેન્ટલ કન્ડિશનિંગ કોચ સતત ટીમ સાથે હોવો જરૂરી છે : ધોની

ધોની

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે ટીમમાં હજી પણ માનસિક બીમારીને પગલે મેન્ટલ કન્ડિશનિંગ કોચની સતત જરૂર છે અને તેઓ ટીમ સાથે સતત રહે પણ છે. આ વિશે વાત કરતાં ધોનીએ કહ્યું કે ‘ભારતમાં ક્યારેય માનસિક પાસાઓની વાત કરવામાં આવે છે ત્યારે લોકો એને સ્વીકારતા નથી અને એને માનસિક બીમારીના રૂપમાં જુએ છે. આપણા દેશમાં આ સૌથી મોટી તકલીફ છે. આવી વાતો કોઈ નહીં કરે, પણ જ્યારે હું શરૂઆતના પાંચ દસ બૉલ રમું છું ત્યારે મારા મનમાં પણ એક જાતનું પ્રેશર આવે છે. મને પણ ઘણો ડર લાગે છે, કારણ કે આવો અનુભવ લગભગ દરેક પ્લેયર કરતો હોય છે અને તમે એમાંથી બહાર કઈ રીતે આવશો? આ ઘણી નાની વાત છે, પણ લોકો એને કોચ સાથે શૅર કરવામાં ડરે છે. આ મુદ્દાના નિવારણ માટે જ સ્પોર્ટ્સમાં પ્લેયર અને કોચ વચ્ચેનો સંબંધ સારો હોવો ઘણો જરૂરી છે. મેન્ટલ કન્ડિશનિંગ કોચ ૧૫ દિવસે એક વાર આવતો હોય છે અને તે આવે છે ત્યારે તમે એ વસ્તુનો અનુભવ કરી ચૂક્યા હો છો. જો આ કોચ સતત પ્લેયર સાથે રહે તો તે સમજી શકે છે કે પ્લેયરને કયા એરિયામાં તકલીફ નડી રહી છે. આ માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો માત્ર સ્પોર્ટ્સમાં જ નહીં, વ્યક્તિગત જીવન માટે પણ ઘણો મહત્ત્વનો છે.’

પ્લેયરો સાથે વાતચીત કરવા ધોની હંમેશાં ઉપલબ્ધ રહે છે : નેહરા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર આશિષ નેહરાનું કહેવું છે કે કોઈ પણ મૅચ પત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પ્લેયર સાથે વાતચીત કરવા માટે હંમેશાં હોટેલ-રૂમમાં અવેલેબલ હોય છે.

આશિષ નેહરાએ કહ્યું કે ‘લોકોને લાગે છે કે ધોની વધારે વાત નથી કરતો, પણ વાસ્તવમાં એવું નથી. મૅચ પત્યા પછી કોઈ પણ જાતની ચર્ચા કરવા માટે તેની રૂમ હંમેશાં ખુલ્લી રહે છે. તેની રૂમમાં કોઈ પણ જઈ શકે છે અને ખાવાનું ઑર્ડર કરીને ક્રિકેટની વાતો કરી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટેની વાત હોય કે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વાત હોય, પ્લેયરોને શું સલાહ લેવી અને તેઓ શું વિચારે છે એ ધોની તરત સમજી જાય છે. ધોનીએ જ્યારે ટીમની કમાન સંભાળી હતી ત્યારે તેની આજુબાજુ સિનિયર પ્લેયરોની ભરમાર હતી. દાદા અને તેમના જુનિયર તેમને દરેક વાતમાં સપોર્ટ કરતા હતા અને દાદા પણ તેમના પ્લેયરોને સપોર્ટ કરવામાં માનતા હતા.’

sports news sports ms dhoni mahendra singh dhoni cricket news