સંપૂર્ણપણે ફિટ ન હોવા છતાં ત્રીજી ટેસ્ટ રમશે વૉર્નર

01 January, 2021 12:25 PM IST  |  Melbourne | Agency

સંપૂર્ણપણે ફિટ ન હોવા છતાં ત્રીજી ટેસ્ટ રમશે વૉર્નર

ડેવિડ વૉર્નર

ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ઓપનર ડેવિડ વૉર્નરની કમી ટીમને સારી એવી નડી રહી છે. બીજી વન-ડેમાં ઈજાગ્રસ્ત થયો હોવાથી વૉર્નર શેષ રહેલી વન-ડે અને ટી૨૦ સિરીઝ તેમ જ શરૂઆતની બે ટેસ્ટ મૅચ નહોતો રમી શક્યો. એવામાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના અસિસ્ટન્ટ કોચ ઍન્ડ્રુ મૅક્‍ડોનાલ્ડનું કહેવું છે કે ૭ જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મૅચમાં ઓપનર ડેવિડ વૉર્નર સંપૂર્ણ રીતે ફિટ ન હોવા છતાં તેને રમાડવા વિશે વિચારણા કરવામાં આવી શકે છે.

મૅક્‍ડોનાલ્ડે કહ્યું કે ‘વૉર્નર સંપૂર્ણ રીતે ફિટ નહીં હોય તો પણ તેને ત્રીજી ટેસ્ટ મૅચમાં રમાડવા વિશે વિચારણા કરવામાં આવી શકે છે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય હેડ કોચ જસ્ટિન લૅન્ગર અને ડેવિડ વૉર્નર જ લઈ શકશે. જો તે ૯૦-૯૫ ટકા ફિટ હશે તો કોચ સાથેની વાતચીતમાં તેના રમવા વિશે નિર્ણય લેવામાં આવી શકે છે. ખેલાડીઓને જવાબદારી સોંપવા લૅન્ગર ખુલ્લા મનથી વિચારે છે. આવતી કાલે અને પરમ દિવસે ટીમનો કૅમ્પ છે અને એમાં અમને ખ્યાલ આવશે કે તે ત્રીજી ટેસ્ટ મૅચ રમી શકશે કે નહીં. તેના કમબૅક માટે અમે સૌકોઈ તેને પ્રેરિત કરીશું અને મને ભરોસો છે કે તે પોતે પણ ટીમમાં સામેલ થવા ઘણો ઉત્સાહી છે.’

જો સિડની ટેસ્ટ મૅચમાં વૉર્નર કમબૅક કરે તો યજમાન ટીમે તેના સાથી ઓપનર તરીકે વિલ પુકોવ્સ્કી, મૅથ્યુ વેડ અને માર્નસ હૅરિસમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. આવતી કાલથી રમાનારી પ્રૅક્ટિસ મૅચમાં વૉર્નર અને પુકોવ્સ્કી બન્નેની ફિટનેસ પર પણ ધ્યાન આપવામાં આવશે.

david warner cricket news sports news test cricket sydney