હવે બાઉન્ડરીની બહાર એકથી વધુ વાર બૉલને ઉછાળીને પકડેલો કૅચ માન્ય ગણાશે નહીં

16 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆત એટલે કે બંગલાદેશ અને શ્રીલંકાની ૧૭ જૂનની પહેલી ટેસ્ટ-મૅચથી આ નિયમો લાગુ થશે.

એકથી વધુ વાર બૉલને ઉછાળીને પકડેલો કૅચ માન્ય ગણાશે નહીં

ક્રિકેટના નિયમોના રક્ષક મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ ‘બન્ની હૉપ’ એટલે કે બાઉન્ડરીની બહાર હવામાં ઘણી વખત કૂદકો મારીને કૅચ પકડવાને ગેરકાયદે જાહેર કર્યો છે. આ સંદર્ભમાં નવા નિયમો આ મહિને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની રમતની પરિસ્થિતિઓ સંબંધિત શરતોમાં અને આવતા વર્ષે ઑક્ટોબરથી MCC નિયમોમાં સામેલ કરવામાં આવશે.

ICC અને MCCએ તેમના નિયમ ૧૯.૫.૨ની સમીક્ષા કરતા દરેક સભ્ય બોર્ડને નોંધ મોકલી છે કે હવે બાઉન્ડરી લાઇનને પાર ફીલ્ડર હવામાં રહીને બૉલને એકથી વધુ વાર સ્પર્શ કરશે તો એ બાઉન્ડરી ગણાશે. બાઉન્ડરી પારથી એક વાર હવામાં બૉલને સ્પર્શ કર્યા બાદ તેણે બાઉન્ડરી લાઇનની અંદર આવીને જ કૅચ પકડવો પડશે.

પહેલાં એક ફીલ્ડર બૉલ પકડીને બીજા ફીલ્ડર તરફ ફેંકીને પોતે બાઉન્ડરીની બહાર જતો રહેતો હતો, પરંતુ હવે બીજો પ્લેયર બાઉન્ડરીની અંદર બૉલ પકડે એ પહેલાં, તે પ્લેયરે પણ ફીલ્ડની અંદર આવવું પડશે, તો જ કૅચ માન્ય રહેશે. એકંદરે કૅચ માન્ય બનાવવા માટે બન્ને પ્લેયર્સને બાઉન્ડરીની અંદર રહેવું પડશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની નવી સીઝનની શરૂઆત એટલે કે બંગલાદેશ અને શ્રીલંકાની ૧૭ જૂનની પહેલી ટેસ્ટ-મૅચથી આ નિયમો લાગુ થશે.

international cricket council world test championship test cricket cricket news sports news sports