વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે MCC કમિટીનાં રસપ્રદ સૂચનો

14 March, 2019 11:40 AM IST  | 

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે MCC કમિટીનાં રસપ્રદ સૂચનો

પ્રતીકાત્મક તસવીર

ટેસ્ટ-ક્રિકેટનાં ૧૪૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જુલાઈમાં શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ટેસ્ટ-મૅચોને રોમાંચક બનાવવા MCCની વર્લ્ડ ક્રિકેટ કમિટીએ રસપ્રદ સૂચનો આપ્યાં છે. સમય બચાવવા શોટ-ક્લૉક, સ્ટાન્ડર્ડ બૉલ અને નો બૉલમાં ફ્રી હિટ રાખવાની સલાહ આપી છે. આ કમિટીમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇક ગેટિંગ અને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી સહિત ઘણા જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

સ્લો ઓવર-રેટ એ આજે દરેક ટેસ્ટની સામાન્ય સમસ્યા બનતી જાય છે એને કારણે ઘણો સમય બગડે છે. શોટ-ક્લૉકથી સમય બચશે. MCCની વેબસાઇટમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાના ૨૫ ટકા ક્રિકેટપ્રેમીઓ સ્લો ઓવર-રેટને કારણે ટેસ્ટ-મૅચ જોવાનું ટાળે છે. આ દેશોમાં સ્પિનરો કરતાં પેસ બોલરો વધુ ઓવરો ફેંકતા હોય છે એને કારણે આખા દિવસમાં એક્સ્ટ્રા ૩૦ મિનિટ પછી પણ પૂરી ૯૦ ઓવર ફેંકી શકાતી નથી.’

ટાઇમર

નવો બૅટ્સમૅન સ્ટ્રાઇક પર જલદી આવે એ માટે સ્કોર બોર્ડ પર ૬૦ સેકન્ડનું અને બોલરની બદલી માટે ૮૦ સેકન્ડનું કાઉન્ટડાઉન શરૂ કરવું. જો ક્લૉક ઝીરો પર પહોંચે તો પહેલાં વૉર્નિંગ અને પછી હરીફ ટીમને પાંચ પૅનલ્ટી રન આપવા. એવી જ રીતે, વિકેટ પડે ત્યારે પિચ અને ડ્રેસિંગ રૂમના ડિસ્ટન્સ પ્રમાણે કાઉન્ટડાઉન ટાઇમર વાપરી શકાય અને આ ટાઇમરને કારણે ડ્રિન્ક્સ-બ્રેક પછી બૅટ્સમેનો અને ફીલ્ડરો ટાઇમર ઝીરો પર પહોંચે એ પહેલાં ક્રીઝ પર પહોંચી શકશે. ડિસિઝન રિવ્યુ સિસ્ટમમાં પણ આ ટાઇમરનો ઉપયોગ કરીને સમય બચાવી શકાય.

સ્ટાન્ડર્ડ બૉલ

ભારતમાં એસજી, ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં ડ્યુક્સ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં કુકાબુરા બૉલથી મૅચો રમાય છે. હાલમાં ઘણા ખેલાડીઓ બૉલ બાબતે પોતાનાં મંતવ્યો રજૂ કરી ચૂક્યાં છે. વિરાટ કોહલી અને રવીચન્દ્રન અશ્વિન રેડ ડ્યુક્સ બૉલ વાપરવા માટે પોતાની મંજૂરી આપી ચૂક્યા છે.

આ પણ વાંચો : IND vs AUS: આજે અંતિમ વન ડે, રાજધાનીમાં રાજ કરશે ટીમ ઇન્ડિયા?

લિમિટેડ ઓવરમાં ક્રિકેટમાં લોકપ્રિય થયેલી ફ્રી હિટને ટેસ્ટ-મૅચમાં લાગુ કરવી જોઈએ. દાખલા તરીકે હાલમાં ઇંગ્લૅન્ડે લાગલગાટ ૪૫ વન-ડેમાં એકેય નો બૉલ નહોતો ફેંક્યો. જોકે વેસ્ટ ઇન્ડીઝ સામેની ૩ ટેસ્ટ-સિરીઝમાં ૧૧ નો બૉલ ફેંક્યા હતા. ફ્રી હિટને કારણે પ્રેક્ષકોને મજા આવશે અને ઓછા નો બૉલને કારણે ઓવર-રેટ કાબૂમાં રહેશે.

test cricket cricket news sports news