મુંબઈના ૧૧ ખેલાડીઓનાં નામ ષટ્કાર ટ્રોફી માટેની ટીમમાંથી આઉટ

05 November, 2012 05:49 AM IST  | 

મુંબઈના ૧૧ ખેલાડીઓનાં નામ ષટ્કાર ટ્રોફી માટેની ટીમમાંથી આઉટ


મુંબઈની અન્ડર-૧૬ વિજય મર્ચન્ટ ટ્રોફી માટેના ૧૧ પ્લેયરો સહિત દેશભરની આવી કેટલીક સ્પર્ધાઓ માટેના અસંખ્ય ખેલાડીઓ મોટી ઉંમરના હોવાનું બોન ટેસ્ટ પરથી જાણવા મળતાં આ પ્લેયરોના નામ હાલના તબક્કે ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ખેલાડીઓએ પોતાના સ્ટેટ અસોસિએશનને સાચી ઉંમર બતાવી છે કે નહીં એની ચોકસાઈ માટે ક્રિકેટ બોર્ડે સપ્ટેમ્બરમાં બોન ટેસ્ટ રાખી હતી અને એના પરિણામોએ દેશભરના ડોમેસ્ટિક ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે.

ઘણા રાજ્યોમાં આવા જુનિયર ખેલાડીઓના પૅરન્ટ્સે પોતાના સંતાનની સાચી ઉંમરની ખાતરી માટે સંબંધિત સ્ટેટ અસોસિએશનને બર્થ સર્ટિફિકેટ તથા ઉંમર સાચી બતાવી હોવાની સાબિતી આપતા દસ્તાવેજો મોકલ્યા છે.

ક્રિકેટ બોર્ડે જે પ્લેયરોના નામ


ઓવર-એજને કારણે ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તેમનાં માતા-પિતાને નિરાશ ન થવાની સલાહ આપી છે અને તેઓ બોન ટેસ્ટના રિપોર્ટ સામે અપીલ કરી શકે છે.

આંધ્ર પ્રદેશમાં ઓવર-એજને લગતા બોન ટેસ્ટના રિપોર્ટને કારણે આંધ્ર પ્રદેશના અન્ડર-૧૬ પ્લેયરોના લિસ્ટમાંથી નામ ગુમાવનાર એક ખેલાડીના પૅરન્ટ્સે આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટમાં ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

પ્લેયરોની ઉંમરનો શું વિવાદ છે?

દેશભરમાં કેટલીક અન્ડર-૧૬ ટુર્નામેન્ટો માટેના અસંખ્ય પ્લેયરોની ઉંમર તેમણે પોતાના રાજ્યના ક્રિકેટ અસોસિએશનોને બતાવેલી ઉંમર કરતાં વધુ હોવાનું બોન ટેસ્ટ પરથી જાણવા મળ્યું છે. અન્ડર-૧૬ સ્પર્ધા માટે પાત્ર ન હોય એવા મોટી ઉંમરના આવા પ્લેયરોના નામ હમણાં આગામી ટુર્નામેન્ટ માટેની ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. એમાં મુંબઈના ૧૧ ખેલાડીઓ ઉપરાંત પંજાબના ૧૫, દિલ્હીના ૧૦, હિમાચલ પ્રદેશના ૪ અને મધ્ય પ્રદેશના ૪ ખેલાડીઓનો સમાવેશ છે.

મુંબઈના ૧૧ ખેલાડીઓ ટીમની બહાર

વિજય મર્ચન્ટ ટ્રોફી માટેના મુંબઈના ૩૨માંથી ૧૧ અન્ડર-૧૬ ખેલાડીઓમાં બોન ટેસ્ટ મુજબ મોટી ઉંમરના હોવાનું જાણવા મળતાં તેમના નામ હાલના તબક્કે આ સ્પર્ધાની પૂર્વતૈયારી તરીકે ગણાતી ષટ્કાર ટ્રોફી અન્ડર-૧૬ ટુર્નામેન્ટ માટેની ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

મુંબઈ ક્રિકેટ અસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી ડૉ. પી. વી. શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડની બોન ટેસ્ટમાં મુંબઈના ૧૧ પ્લેયરો ઓવર-એજ હોવાનું બતાવવામાં આવ્યું છે. જોકે એકસાથે ૧૧ પ્લેયરો ઓવર-એજ હોય એ શક્ય જ નથી. બોન ટેસ્ટમાં કંઈક ક્ષતિ હોય એવું લાગે છે. અમે ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરીશું. આ અગિયારમાંથી મોટા ભાગના પૅરન્ટ્સ તેમનાં સંતાનની ઉંમરના પુરાવાવાળા દસ્તાવેજ લઈને અમારી પાસે આવ્યા છે.’


બોન ટેસ્ટ શું છે?


પ્લેયરોની સાચી ઉંમર જાણવા માટેની ક્રિકેટ બોર્ડની આ નવા પ્રકારની તપાસ વ્ષ્૩ (ટૅનર-વાઇટહાઉસ ૩) તરીકે અથવા બોન મૅચ્યૉરેશન પ્રોસેસ તરીકે ઓળખાય છે. આવી ટેસ્ટ કરાવનાર વ્યક્તિના અસ્થિનો ચોક્કસ વિકાસ અને એના આધારે તેની ઉંમર જાણી શકાય છે. જોકે ક્રિકેટ બોર્ડ સાથે નજીકથી સંકળાયેલી એક વ્યક્તિના મતે પ્લેયર પંદર વર્ષનો હોય, પરંતુ બોન ટેસ્ટ મુજબ તેની બોન મૅચ્યૉરિટી સાડાસોળ વર્ષની હોઈ શકે અને એ દૃષ્ટિએ તે અન્ડર-૧૬ ટુર્નામેન્ટ માટે લાયક ન કહેવાય.