ઇન્ડિયા-ન્યુ ઝીલૅન્ડની પ્રૅક્ટિસ મૅચ ડ્રૉ : મયંક, પંત અને શમીની બોલબાલા

17 February, 2020 12:04 PM IST  |  Hamilton

ઇન્ડિયા-ન્યુ ઝીલૅન્ડની પ્રૅક્ટિસ મૅચ ડ્રૉ : મયંક, પંત અને શમીની બોલબાલા

રિષભ પંત

ન્યુ ઝીલૅન્ડ ઇવેલન અને ઇન્ડિયન્સ વચ્ચે ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ ગઈ કાલે ડ્રૉ ગઈ હતી. ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. પહેલી ઇનિંગ રમવા આવેલી ઇન્ડિયન્સ ટીમ ૨૬૩ રન કરીને આઉટ થઈ ગઈ હતી. પહેલી ઇનિંગમાં ચેતેશ્વર પુજારા ૯૩ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે હનુમા વિહારીએ ૧૦૧ રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે ૧૮ રને આઉટ થયો હતો. આ ત્રણ પ્લેયર સિવાય ટીમનો કોઈ પ્લેયર ૧૦ રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ઈશ સોઢી અને સ્કૉટ કુજેલેજીને પહેલી ઇનિંગમાં ૩-૩ વિકેટ લીધી હતી.

ઇન્ડિયન્સે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડ ઇલેવનની ટીમ ભારતીય બોલરોના આક્રમણ સામે પહેલી ઇનિંગમાં માત્ર ૨૩૫ રન કરી શકી હતી. ટીમનો કોઈ પ્લેયર હાફ સેન્ચુરી સુધી પહોંચી શક્યો નહોતો. હેન્રી કૂપરે પહેલી ઇનિંગમાં સૌથી વધારે ૪૦ રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને નવદીપ સૈની ૨-૨ વિકેટ મેળવી શક્યા હતા.

ન્યુ ઝીલૅન્ડ ઇલેવનને સસ્તામાં પૅવિલિયનમાં મોકલ્યા બાદ બીજી ઇનિંગ રમવા આવેલી ટીમ ઇન્ડિયા ત્રીજા અને અંતિમ દિવસે ૪ વિકેટે ૨૫૨ રન કરી શકી હતી, જેમાં મયંક અગરવાલે સૌથી વધારે ૮૧ રન બનાવ્યા હતા અને રિષભ પંત ૬૫ બૉલમાં ૭૦ રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં ન્યુ ઝીલૅન્ડે ૯ પ્લેયર પાસે બોલિંગ કરાવી હતી, પણ ડેરિલ મિશેલ ત્રણ વિકેટ લેવામાં સફળ થયો હતો.

Rishabh Pant cricket news sports news