ફિક્સિંગ એવું કરવું કે કોઈને ગંધ પણ ન આવે

10 October, 2012 05:57 AM IST  | 

ફિક્સિંગ એવું કરવું કે કોઈને ગંધ પણ ન આવે



નવી દિલ્હી: ઇન્ડિયા ટીવી ચૅનલના ગુપ્ત પત્રકારોએ જુલાઈ અને ઑગસ્ટમાં એક સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં હાથ ધરેલા સ્ટિંગ-ઑપરેશનમાં પાકિસ્તાન, બંગલા દેશ અને શ્રીલંકાના કુલ જે છ અમ્પાયરોએ પૈસાના બદલામાં શ્રીલંકા પ્રીમિયર લીગમાં અને વ્૨૦ વર્લ્ડ કપમાં ફિક્સિંગ માટેની જે તૈયારી બતાવી હતી એમાંની એક વિગત ચોંકાવનારી છે. જુલાઈમાં દિલ્હીમાં ઇન્ડિયા ટીવીના પત્રકારને આપેલી મુલાકાતમાં ઇન્ટરનૅશનલ પૅનલના એક અમ્પાયરે કહ્યું હતું કે ‘સામાન્ય રીતે એલબીડબ્લ્યુ અને રનઆઉટ માટે ફિક્સિંગ કરવું આસાન હોય છે. નો-બૉલ વખતે પ્રૉબ્લેમ થાય છે, કારણ કે એમાં થર્ડ અમ્પાયર સુધી વાત જાય ત્યારે ત્યાં બ્રેક લાગી શકે. ફિક્સિંગ એવું કરવું જોઈએ કે કોઈને ગંધ પણ ન આવે.’

ગુપ્ત રિપોર્ટરોએ અમ્પાયરો સાથેની વાતચીત સ્કાઇપ તરીકે જાણીતી ઇન્ટરનેટ વિડિયોફોન સર્વિસ મારફત કરી હતી.

છમાંથી મોટા ભાગના અમ્પાયરોએ પૈસાના બદલામાં હવામાન, ટૉસ, પિચ તેમ જ ઇલેવનમાં કયા પ્લેયરો હશે એની માહિતી આપવાની તૈયારી બતાવી હતી. એક અમ્પાયર માત્ર ૧૫,૦૦૦ રૂપિયામાં અને બીજા અમ્પાયર ૫૦,૦૦૦ રૂપિયામાં ગુપ્ત માહિતી આપવા સંમત થયા હતા. મોટા ભાગના અમ્પાયરોએ ગઈ કાલે પોતાની સામેના આક્ષેપો ખોટા ગણાવીને નકારી કાઢ્યા હતા.

મેં માત્ર સ્પૉન્સરશિપ માગેલી : નદીમ

પાકિસ્તાની અમ્પાયર નદીમ ઘોરીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઇન્ડિયા ટીવી ચૅનલના રિપોર્ટરે મને ટીવી શો માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે મેં તેમની પાસે ભારતપ્રવાસ માટેની સ્પૉન્સરશિપ માગી હતી, બીજું કંઈ નહોતું માગ્યું.’

વર્લ્ડ કપમાં ફિક્સિંગ નહોતું : આઇસીસી


ગઈ કાલે એક તરફ શ્રીલંકા, પાકિસ્તાન અને બંગલા દેશના ક્રિકેટ બોર્ડે પોતાના અમ્પાયરો સામેના આક્ષેપોને લગતા કિસ્સાઓમાં તપાસ શરૂ કરી હતી અને બીજી બાજુ આઇસીસીએ ઇન્ડિયા ટીવી ચૅનલ પાસે તપાસ માટે સ્ટિંગ-ઑપરેશનની વિડિયો ફૂટેજ અને દસ્તાવેજો મગાવ્યા છે. આઇસીસીએ ગઈ કાલે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે ‘ફિક્સિંગના આક્ષેપોમાં જે અમ્પાયરોના નામ લેવામાં આવી રહ્યા છે એમાંના કોઈ પણ અમ્પાયરે વ્૨૦ વર્લ્ડ કપની કોઈ પણ સત્તાવાર મૅચમાં અમ્પાયરિંગ નહોતું કર્યું. હવે આ મુદ્દે આઇસીસી વધુ કોઈ કમેન્ટ નહીં કરે. માત્ર પુરાવાને ધ્યાનમાં લીધા પછી જ પ્રત્યાઘાત આપવામાં આવશે.’

ફિક્સિંગ આઇપીએલની શરૂઆતથી : હેર

આઇસીસીના અમ્પાયરોની એલીટ પૅનલમાં રહી ચૂકેલા ઑસ્ટ્રેલિયાના વિવાદાસ્પદ અમ્પાયર ડૅરેલ હેરે ગઈ કાલે મેલબર્નથી કહ્યું હતું કે ‘ફિક્સિંગની નવી સનસનાટીથી મને કોઈ આશ્ચર્ય નથી થયું. અમ્પાયરોની ફિક્સિંગમાં સામેલગીરી ૨૦૦૮માં આઇપીએની શરૂઆત થઈ ત્યારથી જ છે. તેમની એવી કરતૂતો છેક હવે બહાર આવી છે. મને ઘણા વખતથી વિચાર આવતો હતો કે જોઈએ હવે ક્યાં સુધી અમ્પાયરોના આવા કારસ્તાન છૂપા રહે છે.’

કયા અમ્પાયર સામે કયા આક્ષેપો?

નાદિર શાહ (બંગલા દેશ) : ૬ ટેસ્ટ, ૪૦ વન-ડે અને ૩ વ્૨૦ ઇન્ટરનૅશનલના અનુભવી આ અમ્પાયરે પૈસાના બદલામાં અમુક ખાસ નિર્ણયો આપવાની તૈયારી બતાવી હતી. પાકિસ્તાની પ્લેયર નસીર જમશેદે બંગલા દેશ પ્રીમિયર લીગમાં મૅચો ફિક્સ કરી હોવાનું પણ કહ્યું હતું.

સાગર ગલાગે (શ્રીલંકા) : આ અમ્પાયર શ્રીલંકા પ્રીમિયર લીગમાં પૈસાના બદલામાં પાકિસ્તાની બૅટ્સમૅન ઇમરાન નઝીરને તે નૉટઆઉટ હોવા છતાં આઉટ આપવાનું સ્ટિંગ-ઑપરેશનમાં વચન આપ્યું હતું. વ્૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારત-પાકિસ્તાનની પ્રૅક્ટિસ-મૅચમાં આ અમ્પાયર રિઝર્વ અમ્પાયર હતા અને તેઓ મૅચરેફરીને અને બીજા અમ્પાયરોને મનાવીને ભારતીય પ્લેયરોની ફેવરમાં નિર્ણયો આપવા તૈયાર હતા. તેમણે હવામાન, ટૉસ અને પિચ વિશેની માહિતી આપવાની તેમ જ ઇલેવનમાં કોણ હશે એની વિગતો આપવાની પણ ખાતરી આપેલી.

મૉરિસ વિન્સ્ટન (શ્રીલંકા) : અમ્પાયર ગલાગેએ મૉરિસનું નામ સ્ટિંગ-ઑપરેશનના ગુપ્ત પત્રકારોને સૂચવ્યું હતું. વ્૨૦ વર્લ્ડ કપ પહેલાંની ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ-મૅચના રિઝર્વ અમ્પાયર મૉરિસે પિચ અને ટૉસને લગતી માહિતી આપી હતી તેમ જ ઇલેવનમાં કોણ હશે એ પણ કહ્યું હતું. આ બધાના બદલામાં તેમણે ૫૦,૦૦૦ રૂપિયા માગ્યા હતા.

નદીમ ઘોરી (પાકિસ્તાન) : પાંચ ટેસ્ટ, ૪૩ વન-ડે અને ૪ વ્૨૦ ઇન્ટરનૅશનલના અનુભવી અમ્પાયરે ભારતીય પ્લેયરોની ફેવરમાં નિર્ણયોના બદલામાં બ્લૅકમાં પૈસા સ્વીકારવાની તૈયારી બતાવી હતી.

અનીસ સિદ્દીકી (પાકિસ્તાન) : આ અમ્પાયર ભારતીય પ્લેયરોની તરફેણમાં નિર્ણયો આપવાના બદલામાં બ્લૅકમાં પૈસા સ્વીકારવાની તૈયાર હતા.

ગામિની દિસાનાયકે (શ્રીલંકા) : ૪૮ વર્ષના આ અમ્પાયરે ૨૦૦૬ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કર્યું હતું. શ્રીલંકામાં રમાયેલી ઘણી ટેસ્ટ અને વન-ડેમાં ફૉર્થ અમ્પાયર રહી ચૂકેલા ગામિનીએ સારા પૈસાના બદલામાં કોઈ પણ ગેરકાયદે લીગ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરવાની તૈયારી બતાવી હતી.

પુરાવા આપવા તૈયાર છીએ : રજત શર્મા

ઇન્ડિયા ટીવી ચૅનલના ચૅરમૅન અને એડિટર-ઇન-ચીફ રજત શર્માએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમારા સ્ટિંગ-ઑપરેશનની વિગતો સાચી છે. અમારી પાસે વિડિયો ટેપના જે પુરાવા છે એ અમે એડિટ કર્યા વગર તપાસ માટે આપવા તૈયાર છીએ. અમારી વિરુદ્ધમાં જો કોઈ તપાસ કરવા માગતું હોય તો એ માટે પણ અમે રેડી છીએ.’