ટેસ્ટક્રિકેટમાં બંગલા દેશના નવા પ્રકરણની આજે શરૂઆત થશે?

17 November, 2012 06:44 AM IST  | 

ટેસ્ટક્રિકેટમાં બંગલા દેશના નવા પ્રકરણની આજે શરૂઆત થશે?



મીરપુર: બંગલા દેશે ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમૅચ (નીઓ પ્રાઇમ પર સવારે ૯.૦૦)ના ચોથા દિવસે ૨૯ રનની લીડ લીધી હતી, પરંતુ પછી બીજા દાવમાં કૅરિબિયન ટીમે ૬ વિકેટે ૨૪૪ રન બનાવીને મૅચને રોમાંચક બનાવી દીધી હતી. રમતના અંતે ડૅરેન સૅમી ૧૫ રને દાવમાં હતો. પ્રથમ દાવનો ડબલ સેન્ચુરિયન શિવનારાયણ ચંદરપૉલ ઈજાને કારણે ગઈ કાલે બૅટિંગ કરવા નહોતો આવ્યો.

ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૧૭ રન બનાવનાર ઓપનર કાઇરન પોવેલે ગઈ કાલે બીજા દાવમાં ૧૧૦ રન કરીને કૅરિબિયન ટીમને મુસીબતમાંથી ઉગારી હતી. વેસ્ટ ઇન્ડિયનોની ૨૦૯મા રને એક જ વિકેટ હતી, પરંતુ ત્યાર પછી રમતના અંત સુધીમાં ૩૫ રનમાં પાંચ વિકેટ પડી હતી.

વેસ્ટ ઇન્ડીઝના ગઈ કાલે લીડ ઉતાર્યા બાદ ૨૧૫ રન હતા અને ૪ વિકેટ પડવાની બાકી હતી. જો બંગલા દેશને આજે નાનો ટાર્ગેટ મળશે અને એ જીતી જશે તો મોટી હરીફ ટીમ સામે એની પહેલી જ ટેસ્ટજીત કહેવાશે. જોકે મૅચ ડ્રૉ થવાની સંભાવના વધુ છે.

બંગલા દેશે ગઈ કાલે પ્રથમ દાવમાં ૫૫૬ રન બનાવ્યા હતા. આ સાથે એણે પોતાના હાઇએસ્ટ ૪૮૮ રનનો સાત વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો.