દરિયાઈ પ્રવાસને લીધે વેસ્ટ ઇન્ડીઝ ગયેલી બંગલાદેશની ટીમના ઘણા ખેલાડીઓ બીમાર

03 July, 2022 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટી૨૦ સિરીઝ માટે બન્ને ટીમને ફેરી બોટમાં એક ટાપુ પરથી બીજા ટાપુ પર લઈ જવાયા

દરિયાઈ પ્રવાસને કારણે બીમાર પડી ગયેલા બંગલાદેશના ક્રિકેટરો.

ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ બંગલાદેશ વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ ટી૨૦ની સિરીઝ રમવાનું છે. પહેલી મૅચ ગઈ કાલે રમાઈ હતી, પરંતુ આ મૅચ પહેલાં બંગલાદેશની ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. એનું કારણ હતો સેન્ટ લુસિયાથી ડોમિનિકાનો પાંચ કલાકનો દરિયાઈ પ્રવાસ. બંગલાદેશની ટીમના કોઈ પણ ખેલાડીઓએ નાનકડી ફેરી બોટમાં ક્યારેય આટલી લાંબી યાત્રા નહોતી કરી એથી ખેલાડીઓ ડોમિનિકા પહોંચ્યા ત્યારે મોટા ભાગના પ્લેયર્સની તબિયત બગડી ગઈ હતી. કેટલાક ખેલાડીઓ તો આખા રસ્તે ઊલટી કરતા હતા. 
બંગલાદેશના એક ન્યુઝપેપરે જણાવ્યા પ્રમાણે  ફેરી બોટ દરિયાની વચ્ચે પહોંચી ત્યારે ભયંકર મોજાં ઊછળતાં હતાં. વળી બોટ બહુ મોટી નહોતી એટલે ૬થી ૭ ફુટ જેટલાં મોજાંઓને કારણે જ બોટ હાલકડોલક થઈ રહી હતી. પરિણામે ઘણા ખેલાડીઓને ઊલટી થવા માંડી હતી. ફાસ્ટ બોલર શોરિફુલ ઇસ્લામ, નુરુલ હસન અને મૅનેજર નફીસ ઇકબાલની હાલત સૌથી વધુ કફોડી થઈ હતી. 
બંગલાદેશને છોડો, વેસ્ટ ઇન્ડીઝની ટીમે પણ કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ માટે એક ટાપુ પરથી બીજા ટાપુ સુધી કોઈ દિવસ ફેરી બોટમાં પ્રવાસ કર્યો નહોતો. એક ખેલાડીએ કહ્યું કે એક સમયે તો એવું લાગ્યું કે અમે ડૂબી જઈશું. તો અન્ય એક ક્રિકેટરે કહ્યું મારા માટે તો કરીઅરનો આ સૌથી ખરાબ પ્રવાસ હતો. મેં ઘણા દેશનો પ્રવાસ કર્યો છે, પરંતુ આવો અનુભવ પહેલી વખત થયો. અમારા પૈકી કોઈ પણ ખેલાડીને આની આદત નહોતી.

sports news cricket news bangladesh west indies